Kolkataમાં હૃદયકંપાવનારી ઘટના: માત્ર રડવા જેવી બાબતે શિશુને જમીન પર પછાડ્યો, બાળકના પગમાં ગંભીર ફ્રેક્ચર!

📅 Published: October 12, 2026 | 📂 Category: India National

 પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરના ન્યૂ અલીપોર વિસ્તારમાં આવેલી એક ખાનગી પ્લે સ્કૂલમાંથી શરમજનક અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. વર્ગખંડમાં બે વર્ષનું એક નિર્દોષ બાળક સતત રડી રહ્યું હોવાથી ગુસ્સે ભરાયેલી શિક્ષિકા સનંદા પાલે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. બાળકના રડવાથી અકળાઈ ગયેલી શિક્ષિકાએ તેને ઊંચકીને જમીન પર જોરથી પછાડ્યો હતો. આ ઘટનાને કારણે માસૂમ બાળકના જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું.

ઘરે પહોંચતા જ બાળકની સ્થિતિ જોઈ પરિવાર સ્તબ્ધ

શુક્રવારે શાળાએથી ઘરે પરત ફર્યા બાદ બાળક અસહ્ય દુખાવાના કારણે સતત રડી રહ્યું હતું. પરિવારે જ્યારે તપાસ કરી ત્યારે તેના પગમાં ગંભીર ઇજા હોવાનું માલૂમ પડ્યું હતું. માતા-પિતા તાત્કાલિક બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબી તપાસ દરમિયાન બાળકના જમણા પગના હાડકામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ હતી. જ્યારે બાળકે તેની સાથે ઘટેલી ઘટના વિશે માતા-પિતાને જણાવ્યું ત્યારે પરિવારે તરત જ ન્યૂ અલીપોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફૂટેજથી ખુલાસો, પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે તાત્કાલિક પ્લે સ્કૂલમાં જઈને વર્ગખંડના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કર્યા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન શિક્ષિકા સનંદા પાલ દ્વારા બાળકની કરાયેલી ક્રૂર અમાનુષી હુમલાની ઘટનાની પુષ્ટિ થઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જુવેનાઇલ જસ્ટિસ (JJ) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી શિક્ષિકાની ધરપકડ કરી લીધી છે.

શિક્ષિકા બરતરફ, ચાઇલ્ડ કમિશન દ્વારા પણ તપાસ

આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ પ્લે સ્કૂલ સંચાલકોએ ત્વરિત કાર્યવાહી કરતા આરોપી શિક્ષિકા સનંદા પાલને નોકરીમાંથી બરતરફ કરી દીધી છે. ઉપરાંત શાળા પ્રબંધને આ મામલે આંતરિક તપાસ પણ શરૂ કરી છે. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા આ કેસ પશ્ચિમ બંગાળ બાળ અધિકાર સંરક્ષણ આયોગ (WBCPCR)ને પણ સોંપવામાં આવ્યો છે. નાના બાળકોની સુરક્ષાને લઈને આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંંચો: Chhota Udaipur News: વિદ્યાના ધામમાં લાફાકાંડ, નસવાડીની શાળામાં મહિલા આચાર્યને શિક્ષિકાએ લગાવી બે ધોલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *