Gujarat : મતદાર યાદીમાં નામ રહી ગયું છે? 4 દિવસ ખાસ ઝુંબેશ, ચૂંટણી અધિકારીએ કલેક્ટરોને આપ્યા મહત્વપૂર્ણ આદેશ

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા, બાકી રહી ગયેલા મતદારોને સમાવિષ્ટ કરવા અને નવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં નામ રહી ગયેલા પાત્ર નાગરિકોને નોંધણીની તક આપવામાં આવશે.

11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરે ખાસ ઝુંબેશ

રાજ્યભરમાં 11, 18 અને 25 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના દિવસો યોજાશે. આ દરમિયાન મતદાન મથકો પર બૂથ લેવલ કેમ્પ યોજીને નવા તથા અગાઉ નોંધણીથી બાકી રહી ગયેલા મતદારોની અરજીઓ સ્વીકારવામાં આવશે.

બીએલઓ ઘરે-ઘરે જઈ કરશે ચકાસણી

બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ) દ્વારા ઘરે-ઘરે જઈને મતદાર તરીકે નોંધણી માટે યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકોની ચકાસણી કરવામાં આવશે. અગાઉની મતદાર યાદીની સ્થિતિ સાથે રાખવા પણ બીએલઓને સૂચના આપવામાં આવી છે, જેથી બાકી રહી ગયેલા નામો અંગે જરૂરી કાર્યવાહી થઈ શકે.

નામ નોંધાવવા ફોર્મ નંબર 6 ભરાવાશે

મતદાર યાદીમાં સમાવિષ્ટ ન થયેલા પાત્ર નાગરિકો પાસેથી ફોર્મ નંબર 6 ભરાવીને નોંધણીની સુવિધા આપવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવાની તક મળશે.

બેઘર લોકો અને મજૂર વસાહતો માટે વિશેષ કેમ્પ

બેઘર વ્યક્તિઓ તેમજ મજૂર વસાહતોમાં રહેતા નાગરિકો મતદાર નોંધણીથી વંચિત ન રહે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં પાત્ર નાગરિકો સુધી પહોંચવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

રાજકીય પક્ષોના એજન્ટોને પણ યાદી અપાશે

બૂથ લેવલ પર રાજકીય પક્ષોના એજન્ટોને મતદાર યાદી ઉપલબ્ધ કરાવવાની રહેશે. ઝુંબેશ પૂર્ણ થયા બાદ તૈયાર કરવામાં આવેલી યાદી રાજકીય પક્ષોને મોકલી આપવામાં આવશે.

કલેક્ટરોને મોનિટરિંગની જવાબદારી

સમગ્ર ઝુંબેશની કામગીરીનું જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવશે. મતદાર નોંધણીની પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થાય અને પાત્ર નાગરિકોનું નામ યાદીમાં સામેલ થાય તે માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. 

આ પણ વાંચો  :   India : 6 રાજ્યોમાં નવા રાજ્યપાલ, ઓમ પ્રકાશ માથુર અને દુષ્યંત ગૌતમ સહિત 6ની નિમણૂક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *