ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને મુખ્ય પક્ષો અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. 2027ની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 27 આદિવાસી અનામત (ST) બેઠકો ઉપર ફોકસ વધાર્યું છે.ગઈકાલથી સળંગ ત્રણ દિવસ અર્થાત 72 કલાક માટે ચાર મંત્રીઓને ચાર અલગ અલગ ST રિઝર્વ મતક્ષેત્રોમાં મોકલીને ધરાતલથી પ્રશ્નો જાણીને તેનો ત્વરીત ઉકેલ લાવવા સરકારે ટાસ્ક સોંપ્યો છે.ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 ST રિઝર્વ બેઠકો છે.તે સિવાયની 9 અન્ય બેઠકો ST રિઝર્વ ન હોવા છતાંયે આદિવાસી મતો મહત્વરૂપ છે.
બેઠક યોજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો રહેશે
ત્રણ દિવસની તીરબી ડ્રાઈવમાં મંત્રીઓને સૌથી પહેલા સામાન્ય નાગરિક,આદિવાસી સંગઠનો સાથે બેઠક યોજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો રહેશે.બીજા દિવસે ભાજપના સંગઠન સાથે ને સરકારી તંત્ર સાથે બેઠક યોજીને સંકલન થકી પ્રશ્નો,સમસ્યાઓને ઉકેલવા અંગે નિર્ણયાત્મક પ્રક્રિયાને અનુસરવા મુખ્યમંત્રી સ્તરેથી કેબિનેટમાં સૂચના અપાયાનું જાણવા મળ્યું છે. સોમવારે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠાના દાંતા વિધાનસભાથી ત્રણ દિવસનો પ્રવાસ શરૂ કર્યો છે.મધ્ય ગુજરાતમાં મોરવા હડફ મતક્ષેત્રમાં પુરવઠા મંત્રી રમણ સોલંકી, ભરૂચના ઝઘડીયાથી શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને છેવાડે રહેલા નિઝર મતક્ષેત્રમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલને ત્રણ દિવસ માટે ઉતારવામાં આવ્યા છે.
આદિવાસી વિસ્તારના પ્રશ્નો
ફોરેસ્ટ રાઇટ્સ એકટ- 2006 હેઠળના વન જમીન અધિકારો મંજૂર થતા નથી, રદ્દ કરાય છે.
1996ના પેસા કાયદાનો અમલ થતો નથી.
સંપાદન, વિસ્થાપનને લઈને વળતર, પુન:વસનના પ્રશ્ન
સિકલ સેલ એનિમિયા અને કુપોષણની સમસ્યામાં તબીબો- સાધનોનો અભાવ
શિક્ષણ- કુશળતા, આશ્રમશાળામાં શિક્ષકોની અછત, સિંચાઈ, આવાસ જેવા બુનિયાદી પ્રશ્નો
