રણજી ટ્રોફી 2026માં મુંબઈ અને છત્તીસગઢ વચ્ચે રમાઈ રહેલી મેચમાં મુંબઈએ મેદાન મારી લીધું છે. પ્રથમ ઇનિંગ્સમાં 429 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યા બાદ, મુંબઈના સ્ટાર ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ કાતિલ બોલિંગ પ્રદર્શન કરીને છત્તીસગઢની ટીમને ધૂળ ચાટતી કરી દીધી છે. દેશપાંડેએ એક જ ઓવરમાં સતત 3 બોલમાં 3 વિકેટ લઈને શનદાર હેટ્રિક ઝડપી હતી અને માત્ર 7 ઓવરમાં 5 વિકેટ હોલ પૂરો કરીને વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે.
મુંબઈનો 429 રનનો વિશાળ સ્કોર, યશસ્વી જયસ્વાલ ફ્લોપ
એલિટ ગ્રુપ Dની આ મહત્વપૂર્ણ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. નીચલા ક્રમના બેટર્સ તનુષ કોટિયને 58 રન અને મોહિત અવસ્થીએ 56 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપતાં મુંબઈએ 429 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, ટીમની નજર જેના પર હતી તેવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય રને (0) આઉટ થતાં ચાહકોને મોટી નિરાશા સાંપડી હતી.
7 ઓવરમાં 5 વિકેટ, છત્તીસગઢની મુશ્કેલી વધી
છત્તીસગઢની ટીમે 8 વિકેટ ગુમાવી ત્યારે તુષાર દેશપાંડે પોતાના નામે 5 વિકેટ કરી ચૂક્યો હતો.તેણે માત્ર 7 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.આ પ્રદર્શન તેની શાનદાર બોલિંગ અને વિકેટ લેવાની ક્ષમતાનો પુરાવો છે. દેશપાંડેની ઘાતક બોલિંગને કારણે છત્તીસગઢની ટીમ મોટો સ્કોર બનાવવાની સ્થિતિમાં રહી નહોતી. અહેવાલ મુજબ,તે સમયે છત્તીસગઢનો સ્કોર 100 રન સુધી પણ પહોંચ્યો નહોતો.
મુંબઈને પ્રથમ ઇનિંગ્સમાં મોટી લીડ મળવાની શક્યતા
મુંબઈએ પ્રથમ ઇનિંગ્સમાં 429 રન બનાવ્યા હોવાથી હવે તેની નજર છત્તીસગઢને ઓછા સ્કોરે ઓલઆઉટ કરીને મોટી લીડ મેળવવા પર રહેશે. તુષાર દેશપાંડેની હેટ્રિક અને 5 વિકેટના પ્રદર્શનથી મુંબઈની સ્થિતિ મજબૂત બની છે.હવે છત્તીસગઢના બાકીના બેટરો કેટલા રન ઉમેરી શકે છે અને મુંબઈને પ્રથમ ઇનિંગ્સમાં કેટલી લીડ મળે છે તેના પર સૌની નજર રહેશે. રણજી ટ્રોફીની આ મેચમાં તુષાર દેશપાંડેનું પ્રદર્શન મુંબઈ માટે સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો – Rishabh Pant : ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત ઈન્ડિયા A મેચમાંથી થયો બહાર
