ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલેન્ડ A સામેની 3 મેચની બિનસત્તાવાર સિરીઝ માટે ભારત A ટીમમાં એક ફેરફાર કર્યો છે. સ્ટાર વિકેટકીપર રિષભ પંત ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી. તેના સ્થાને BCCIએ 21 વર્ષના વિકેટકીપર કુમાર કુશાગ્રને પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે. રિષભ પંત ત્રીજી મેચમાં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.
રિષભ પંત વિશે BCCIએ શું કહ્યું?
જ્યારે BCCIએ થોડા દિવસો પહેલા ટીમની જાહેરાત કરી હતી, ત્યારે સ્પષ્ટ હતું કે રિષભ પંતની પસંદગી ફિટનેસને આધીન હતી અને હવે સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે તેને હાલ માટે આરામ આપવામાં આવ્યો છે. BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ પ્રવાસમાં રિષભ પંતની ભાગીદારી તેની ફિટનેસ પર આધારિત હતી, પરંતુ તેને પ્રથમ 2 મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતી વખતે તેને ડાબી બાજુના સ્નાયુમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો.
ઈરાની કપમાં પંતનું પ્રદર્શન કેવું રહ્યું?
રિષભ પંત BCCIના ડોકટરોની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે ત્રીજી મેચમાં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, રેસ્ટ ઓફ ઈન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરને હરાવીને ઈરાની કપ જીત્યો હતો , પરંતુ રિષભ પંતનું પ્રદર્શન તે મેચની બંને ઈનિંગમાં ખરાબ રહ્યું હતું, તેને 10 અને 8 રન બનાવ્યા હતા.
કુમાર કુશાગ્રે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કેવું પ્રદર્શન કર્યું છે?
વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રે, જેમણે રિષભ પંતની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવ્યું હતું, તેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા A સામેની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝમાં 5 ઈનિંગમાં 187 રન બનાવ્યા હતા, જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. કુશાગ્રે અત્યાર સુધીમાં 38 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. 61 ઈનિંગમાં તેને 42.49ની પ્રભાવશાળી એવરેજથી 2507રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેમનો હાઈએસ્ટ સ્કોર 207 છે. વધુમાં વિકેટકીપિંગ કરતી વખતે, તેને 66 કેચ પકડ્યા છે અને 15 ખેલાડીઓને સ્ટમ્પ કર્યા છે.
ઈન્ડિયા A ની અપડેટેડ ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, રવિચંદ્રન અશ્વિન, ધ્રુવ જુરેલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આકીબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન, યશ રાઠોડ, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર, પહેલી અને બીજી મેચ).
આ પણ વાંચો – SA vs Aus: ટેસ્ટમાં 49 વર્ષ પહેલાં એક ભારતીયે કર્યું હતું આવું, આ કારનામું કરનારો લાબુશેન બીજો ખેલાડી
