Indias Richest Person: દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી.. જાણો અદાણી કયા નંબરે ?

📅 Published: October 13, 2026 | 📂 Category: Business

મુકેશ અંબાણી ફરી એકવાર ફોર્બ્સની ‘રિયલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ’માં ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. રિલાયન્સના ચેરમેને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પાસેથી ભારતના નંબર વન અબજોપતિનું સ્થાન પાછું મેળવ્યું છે.તો બીજી તરફ એલન મસ્ક $1.007 ટ્રિલિયનની નેટ વર્થ સાથે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર (એક ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવનાર) તરીકે યથાવત છે.

ફોબ્સની યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ વધું 

ફોર્બ્સની આ યાદી મુજબ, મુકેશ અંબાણી $78.8 બિલિયનની નેટ વર્થ સાથે વિશ્વના અબજોપતિઓમાં 25મા ક્રમે છે, જ્યારે ગૌતમ અદાણીની નેટ વર્થ $74.9 બિલિયન છે. ભારતના ટોચના પાંચ અબજોપતિઓમાં સાવિત્રી જિંદાલ $36.6 બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે; વૈશ્વિક સ્તરે તેઓ 64મા ક્રમે છે. ભારતમાં તેમના પછી લક્ષ્મી મિત્તલ ($30.6 બિલિયન) અને શિવ નાદર ($27.4 બિલિયન)નો ક્રમ આવે છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ ? 

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંનેને પાછળ છોડીને, ચીનના ઝાંગ યિમિંગ ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બાઇટડાન્સ (TikTokની મૂળ કંપની)ના માલિક યિમિંગની નેટ વર્થ $84 બિલિયન છે. એશિયામાં તેમના પછી મુકેશ અંબાણી બીજા સ્થાને અને અદાણી ત્રીજા સ્થાને છે.

અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ ફેરફાર કેવી રીતે થાય છે?

ફોર્બ્સની ‘રિયલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ’ એ વિશ્વના સૌથી ધનિક લોકોની સંપત્તિમાં થતા ઉતાર-ચઢાવને ટ્રેક કરવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ યાદી અબજોપતિઓની અંદાજિત નેટ વર્થ, તેમનું રેન્કિંગ અને અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીમાં તેમની સંપત્તિમાં થયેલો વધારો કે ઘટાડો દર્શાવે છે.

ફોર્બ્સની રિયલ-ટાઇમ યાદીમાં સામેલ ઘણા અબજોપતિઓની સંપત્તિનો મોટો હિસ્સો કંપનીના શેરમાં રોકાયેલો હોય છે. પરિણામે, શેરબજારમાં થતા ઉતાર-ચઢાવની સીધી અસર તેમની અંદાજિત નેટ વર્થ પર પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ અબજોપતિ પાસે કોઈ કંપનીના 100 મિલિયન (10 કરોડ) શેર હોય અને શેર દીઠ કિંમત ₹1,000 હોય, તો તે શેરોનું કુલ મૂલ્ય ₹10,000 કરોડ થશે. જો શેરનો ભાવ વધીને ₹1,100 થાય, તો તે જ હોલ્ડિંગનું મૂલ્ય વધીને ₹11,000 કરોડ થઈ જશે.

બીજા શબ્દોમાં કહીએ તો, શેરના ભાવમાં 10 ટકાનો વધારો હોલ્ડિંગના મૂલ્યમાં ₹1,000 કરોડનો વધારો કરશે. જોકે, આ વધારો માત્ર કાગળ પરની સંપત્તિના મૂલ્યમાં થયેલો વધારો દર્શાવે છે; તેનો અર્થ એ નથી કે અબજોપતિને તે રકમ રોકડ સ્વરૂપે તેમના બેંક ખાતામાં મળી ગઈ છે.

નેટ વર્થ (કુલ સંપત્તિ) દર પાંચ મિનિટે અપડેટ થાય છે

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, શેરબજાર ચાલુ હોય ત્યારે જાહેર કંપનીઓમાં અબજોપતિઓના હિસ્સાનું મૂલ્ય દર પાંચ મિનિટે અપડેટ કરવામાં આવે છે. શેરના ભાવના ડેટામાં આશરે 15 મિનિટનો વિલંબ (લેગ) હોઈ શકે છે.

પરિણામે, શેરબજારમાં થતા ઉતાર-ચઢાવ  પછી તે વધારો હોય કે ઘટાડો  અબજોપતિઓની અંદાજિત સંપત્તિમાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે શેરના ભાવ વધે છે ત્યારે તેમની નેટ વર્થ વધી શકે છે અને જ્યારે ભાવ ઘટે છે ત્યારે તેમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો… RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *