સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના ચકચારી આપઘાત પ્રકરણમાં ખટોદરા પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. આપઘાતની દુષ્પ્રેરણા આપવાના આરોપ હેઠળ નાસતા ફરતા આરોપી તબીબો પૈકીના ડો. અનુજ બસંતભાઈ મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં અગાઉ બે મહિલા તબીબોની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હજુ પણ એક મહિલા તબીબ પોલીસ પકડથી દૂર હોવાથી તેની ધરપકડ માટે પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજા આરોપી તબીબ અનુજ મહેશ્વરીની ધરપકડ
ડો. હર્ષ પંડ્યાના આપઘાત બાદ સમગ્ર મેડિકલ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતક તબીબને શારીરિક-માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરવાના આરોપ હેઠળ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા નાસતા ફરતા ડો. અનુજ બસંતભાઈ મહેશ્વરીને ખટોદરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.પોલીસે આરોપી ડોક્ટરની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત માટે જવાબદાર અન્ય તથ્યો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલાં બે મહિલા તબીબો ઝડપાઈ હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ડો. હર્ષ પંડ્યા પર સાથી તબીબો દ્વારા અસહ્ય દબાણ અને ત્રાસ ગુજારવામાં આવતો હતો. બે દિવસ પૂર્વે ખટોદરા પોલીસે આ જ કેસમાં સંડોવાયેલી બે મહિલા રેસિડેન્ટ ડોક્ટરો દિશીતા સંદીપભાઈ ઘેવરીયા અને હિના વાલજીભાઈ ભુતની ધરપકડ કરી હતી.આ બંને મહિલા તબીબોની ધરપકડ બાદ અન્ય ફરાર તબીબો પર પોલીસનો સકંજો કસાયો હતો, જેના પરિણામે ડો. અનુજ મહેશ્વરીની પણ ધરપકડ થઈ શકી છે.
ડો. નિરાલી વસાવે હજુ ફરાર
કેસમાં નામચીન આરોપીઓ પૈકી વધુ એક મહિલા તબીબ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. ડો. નિરાલી પરેશભાઈ વસાવે હાલ પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.ખટોદરા પોલીસે ફરાર ડો. નિરાલી વસાવેનું પગેરું મેળવવા માટે અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવી છે અને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ ફરાર મહિલા તબીબને પણ પકડી પાડવામાં આવશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
