વસ્ત્રાલમાં મામાના હાથે સગીર ભાણાનું મોત:મજાક કરવાની ના પાડતાં ભાણો ઉશ્કેરાઈને મામા-મામી પર તૂટી પડ્યો; વળતા હુમલામાં મામાએ ચપ્પુ ઝીંકી પતાવી દીધો

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મજાક-મસ્તી કરવા બાબતે ઠપકો આપવા જેવી સામાન્ય બાબતમાં મામા-ભાણા વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ થતાં ખૂની ખેલ ખેલાયો છે. સગીર ભાણાએ મામા, મામી અને અન્ય એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ ઈજાગ્રસ્ત મામાએ ચપ્પુ ઝૂંટવી વળતો ઘા ઝીંકતાં ભાણાનું મોત નીપજ્યું હતું. રામોલ પોલીસે આ બનાવ અંગે બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બુમો પાડવાની ના પાડતાં સગીર ઉશ્કેરાયો
વસ્ત્રાલના ઇન્દિરાનગર ટેકરા પાસે દિનેશ દેવીપૂજક અને તેમના પત્ની પૂજાબેન બેઠા હતા. આ દરમિયાન તેમનો 16 વર્ષીય સગીર ભાણો મિત્રો સાથે પેડલ રિક્ષામાં બેસી મજાક-મસ્તી કરતો હતો. મામાએ તેને બુમો ન પાડવા ઠપકો આપતાં સગીરે ઉશ્કેરાઈને ચપ્પુ વડે મામાના પેટમાં ઘા ઝીંકી દીધો હતો. વચ્ચે પડેલા મામી પૂજાબેન અને સુનિલ દેવીપૂજક પણ ઈજાગ્રસ્ત થયા હતા. સગીરનું હોસ્પિટલમાં મોત નીપજ્યું
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મામા દિનેશભાઈએ સગીરના હાથમાંથી ચપ્પુ ઝૂંટવી લીધું હતું અને ભાણાને કમરના ભાગે ઘા મારતાં તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે સગીરને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસની ક્રોસ ફરિયાદો નોંધી છે. મામાએ જ કર્યો હતો સગીરનો ઉછેર
એસીપીના જણાવ્યા મુજબ સગીર બાળપણથી જ તેના મામા દિનેશભાઈ સાથે રહેતો હતો. માતાએ અન્યત્ર લગ્ન કરી લીધા હોવાથી મામાએ તેનો ઉછેર કર્યો હતો. જોકે, છેલ્લા 3 મહિનાથી તે અલગ રહેતો હતો. સોમવારે રાત્રે મસ્તી કરવાની ના પાડવા જેવી નાની બાબતમાં સમગ્ર પરિવારમાં કરુણ ઘટના ઘટી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ક્રોસ ફરિયાદ બાદ રામોલ પોલીસે ઘટનાસ્થળ પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્તોની પૂછપરછ હાથ ધરીને પોલીસે આગળની કાયદાકીય તપાસ લંબાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *