Neha Bora: ખોપરીના ચિહ્નવાળી નેહા બોરાની ટી-શર્ટથી શરૂ થઈ ચર્ચા, શું છે ‘વન પીસ’ના ઝંડાનો અસલી અર્થ?

📅 Published: October 13, 2026 | 📂 Category: India National

નેહા બોરા હાલમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હવે તેમની એક ટી-શર્ટ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ટી-શર્ટ પર બનેલી ખોપરી અને તેની નીચે લખેલા ‘વન પીસ’ના નામને જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેના અર્થ વિશે સવાલ કરી રહ્યા છે. આ ‘વન પીસ’નો શું અર્થ થાય છે? શું આ માત્ર એક એનિમેનું પ્રતીક છે કે તેની પાછળ કોઈ મોટો સંદેશ છુપાયેલો છે? તેની કહાની દરિયાઈ લૂંટારાઓથી શરૂ થઈને આજના Gen-Zના વિરોધ પ્રદર્શનો સુધી પહોંચે છે.

10 અને 11 ઓક્ટોબરે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન AISAનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા આ જ ડિઝાઇનવાળી ટી-શર્ટ પહેરેલાં જોવા મળ્યાં હતાં. તેમની તસવીરો સામે આવ્યા બાદ ‘વન પીસ’ના આ પ્રતીક વિશે ચર્ચા તેજ બની છે.

પહેલાં જાણો, ખોપરીવાળા ઝંડાનો ઇતિહાસ શું છે?

ઇતિહાસમાં ખોપરી અને હાડકાંની ડિઝાઇનવાળા ઝંડાના શરૂઆતના ઉલ્લેખ 17મી સદીના અંત સુધી મળે છે. લગભગ 1700ની આસપાસ દરિયાઈ લૂંટારા ઇમેન્યુઅલ વિનના ઝંડા પર ખોપરી, હાડકાં અને ઘંટની ડિઝાઇન હોવાનો ઉલ્લેખ નોંધાયો હતો.

17મી અને 18મી સદીમાં દરિયાઈ લૂંટારાઓ જે જહાજ પર હુમલો કરવાના હોય તેમને હુમલા પહેલા સંદેશ આપવા માટે અલગ-અલગ ડિઝાઇનવાળા ઝંડાનો ઉપયોગ કરતા હતા. કાળો ઝંડો ઘણી વખત સામેના જહાજને ડરાવીને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરવાના સંકેત તરીકે વપરાતો હતો. લાલ ઝંડો વધુ ઘાતક ઇરાદા દર્શાવવા માટે વપરાતો હતો.

ખોપરી, હાડકાં, હાડપિંજર, તલવાર અને ઘંટ જેવાં ચિહ્નો મૃત્યુ અને જોખમનો સંદેશ આપતાં હતાં. એટલે કે, આ ઝંડો માત્ર ઓળખ માટે નહોતો, પરંતુ સમુદ્રમાં દૂરથી આપવામાં આવતો માનસિક સંકેત પણ હતો કે અમને જોઈને નક્કી કરી લો કે લડવું છે કે શરણાગતિ સ્વીકારવી છે.

‘વન પીસ’એ ખોપરીવાળા ઝંડાને નવી ઓળખ આપી

1997માં જાપાની મંગા લેખક એઇચિરો ઓડાએ ‘વન પીસ’ નામની મંગા શ્રેણી શરૂ કરી હતી. તેની કહાની દરિયાઈ લૂંટારાઓની દુનિયા પર આધારિત છે અને તેનું મુખ્ય પાત્ર મંકી ડી. લૂફી છે.

લૂફીનું સપનું દુનિયાનો સૌથી મોટો પાઇરેટ કિંગ બનવાનું છે. તે પોતાના સાથીઓ સાથે સમુદ્રની સફર કરે છે અને ‘વન પીસ’ નામના રહસ્યમય ખજાનાની શોધમાં નીકળે છે. તેના જૂથને ‘સ્ટ્રો હેટ પાઇરેટ્સ’ કહેવામાં આવે છે.

તેમના ઝંડા પર ખોપરી બનેલી છે, જેના ઉપર સ્ટ્રો હેટ જોવા મળે છે. કહાનીમાં તેઓ શક્તિશાળી અને દમનકારી શાસકો સામે ઊભા રહે છે, લોકોને મદદ કરે છે અને વ્યવસ્થાને પડકારે છે. આ પ્રતીક લોકપ્રિય સંસ્કૃતિમાં આઝાદી, બળવો અને દમન સામે ઊભા રહેવાની ઓળખ બની ગયું છે.

નેપાળમાં પણ વિરોધનું પ્રતીક બન્યો ‘વન પીસ’નો ઝંડો

નેપાળમાં પણ Gen-Zનાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ‘વન પીસ’નો ઝંડો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોના વિરોધથી શરૂ થયેલું આ આંદોલન ધીમે-ધીમે મોટું બન્યું. યુવાનોએ ‘વન પીસ’ના સ્ટ્રો હેટ પાઇરેટ્સવાળા ઝંડાનો ઉપયોગ સત્તા સામેના વિરોધ અને પરિવર્તનની માગના પ્રતીક તરીકે કર્યો.

આ વિરોધ એટલો ઉગ્ર બન્યો કે પોલીસ સાથેની અથડામણોમાં અનેક લોકોનાં મોત થયાં. અંતે તત્કાલીન વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું.

ઇન્ડોનેશિયામાં સરકાર સામે અસંમતિનું પ્રતીક બન્યો

ઇન્ડોનેશિયામાં 2025 દરમિયાન ઘરો, કાર, મોટરસાઇકલ અને ટ્રકો પર પણ ‘વન પીસ’નો ઝંડો જોવા મળવા લાગ્યો હતો.

શરૂઆતમાં ટ્રકચાલકોએ સરકારની નીતિઓ અને વાહનોમાં વધુ માલ ભરવાના નિયમો સામે નારાજગી વ્યક્ત કરવા આ ઝંડાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ યુવાનોના વિરોધ પ્રદર્શનોમાં પણ આ ઝંડો જોવા મળવા લાગ્યો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *