સુરેન્દ્રનગરના પાટડીમાં નવરાત્રી દરમિયાન યુવાનોમાં ‘વાણીયા’ બનવાની એક અનોખી પરંપરા જોવા મળે છે. પાટડીના પાંચહાટડી ચોકમાં આઠમા નોરતે ત્રણથી ચાર યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી ‘વાણીયા’ બને છે. તેઓ હાથમાં દાંડીયા સાથે ગરબા રમતી મહિલાઓને પ્રોત્સાહિત કરે છે અને અડચણરૂપ યુવાનોને દાંડીયાના ઈશારે દૂર ખસેડે છે. નખથી શીખ સુધી ઢંકાયેલા શરીરે, માસ્ક પહેરી તેઓ ત્રણ-ચાર કલાક સુધી ભક્તિ કરે છે. આઝાદીથી ચાલી આવતી આ પરંપરામાં હજુ પણ અકબંધ છે. યુવાનો માતાજીની આરાધના કરે છે. તેમજ બાળકોને ચોકલેટ આપે છે અને લોકોને શિસ્તના પાઠ પણ શીખવે છે. જે પાટડી સહિત આજુબાજુના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પાટડી નવરાત્રીમાં આખા શરીરે સફેદ ડ્રેસથી ઢંકાયેલા ‘વાણીયા’ ગરબા દરમિયાન પરસેવે રેબઝેબ થવા છતાં લોકોને અનેરૂ મનોરંજન પુરૂ પાડે છે. આ અંગે પાટડી પાંચહાટડી માઈ મંડળના આયોજક હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા વાણીયા બનવાની પરંપરા આઝાદી પહેલાથી અવિરત ચાલી આવી છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સુરેન્દ્રનગરના પાટડીમાં આ વાણીયા બનવાની પરંપરા આજે પણ અકબંધ છે. આ યુવાનો જયારે વાણીયા બને છે, ત્યારે નાના બાળકોને મનોરંજન પુરુ પાડે છે. ખેલૈયાઓ આસ્થાભેર શેરી ગરબા ગાય છે. જેમાં આ નવયુવાનો વાણીયા બનીને ભાગ લે છે. વધુમાં જણાવ્યું કે, પાટડી એટલે ગુજરાતનું એકમાત્ર પાટીદાર રજવાડું, જ્યાં માં શક્તિ બિરાજમાન છે. પાટડી એ સોનાની હાટડી તરીકે ઓળખાય છે. એવા પાટડીમાં 100 વર્ષ પહેલાથી અહીંયા માતાજીની આરાધના કરવામાં આવે છે. અહીં શેરી ગરબાનું અમે ખુબ સુંદર આયોજન કરીએ છીએ, જેમાં ભાઈઓ અને બહેનો અલગ અલગ ગરબા ગાય છે. પહેલા ભાઈઓના ગરબા જે બાદ બહેનોના ગરબા ગવડાવવામાં આવે છે. ત્યારબાદ લાણીનું પણ પ્રસાદ તરીકે વિતરણ કરીએ છીએ, દશ દિવસ સુધી નવરાત્રીમાં મહિલાઓ ગરબામાં હિલોળે ચઢે છે. વર્ષોથી વાણીયા બનવાની પરંપરા જાળવી રાખનારા નવ યુવાન મોન્ટુ ઠક્કર જણાવે છે કે, અમે વાણીયાનો પહેરવેશ પહેરીએ છીએ, અને નાના બાળકોને ચોકલેટ આપી મનોરંજન પુરુ પાડીએ છીએ, તેમજ વચ્ચે કોઈ અડચણરૂપ સાધનો પડ્યા હોય કે કોઈ વસ્તુ પડી હોય એને અમે ત્યાંથી હટાવીએ છીએ. આ પરંપરા જોવા પાટડી સહીત આજુબાજુના ગામોમાંથી ઘણા લોકો આઠમ અને નોમ એમ બે દિવસ અહિં અવશ્ય પધારે છે. આ પહેરવેશ પહેરવાથી અતિશય ગરમી લાગે છે, પણ માતાજીની એવી કૃપા છે કે, આઠમ અને નોમ એમ બે રાત્રીએ અમે સતત ત્રણથી ચાર કલાક સુધી આ પહેરવેશ પહેરીને લોકોને મનોરંજન પુરુ પાડીએ છીએ. માતાજીની દયાથી અમને કશું જ થતું નથી. અમે જયારે વાણીયા બનીએ છીએ, ત્યારે કોઈપણ વ્યક્તિ અમને ઓળખી શકતું નથી.
યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી બને છે 'વાણીયા':આઝાદીથી ચાલી આવતી પરંપરા પાટડીમાં હજુ અકબંધ, આઠમાં નોરતે બાળકોને મનોરંજનની સાથે શિસ્તના પાઠ શીખવે છે
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
