Gandhinagar News: રાજ્યના 4 સરકારી વિભાગોએ બજેટનો પૂરતો ખર્ચ કર્યો જ નહીં, જાણો કયા વિભાગે વધુ ખર્ચ કર્યો

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારે 2026-27ના નાણાકીય વર્ષ માટે જાહેર કરેલા કુલ રૂ.4,08,052.87 કરોડના બજેટ સામે રાજ્યના નાણા વિભાગે 27 વિભાગોને કુલ 2,97,928.47 કરોડની ગ્રાન્ટ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ફાળવી હતી.જેની સામે વિભાગોએ 30 સપ્ટેમ્બર સુધીમાં રૂ.1,53,899.11 કરોડ એટલે કે 52 ટકા રકમ ખર્ચી છે.વર્ષ 2025-26માં સપ્ટેમ્બર અંતિત બજેટખર્ચ ગ્રાન્ટ ફાળવણી સામે 54.55 ટકા રહ્યો હતો.બજેટ પાછળ નાણાં ખર્ચવામાં આદિજાતિ વિકાસ, ક્લાઈમેટ ચેન્જ,સામાન્ય વહીવટ,પંચાયત,ગ્રામ વિકાસ અને મહેસૂલ જેવા વિભાગો અત્યંત નબળા પુરવાર થયા છે. 

બજેટ ખર્ચ નબળો

ટ્રાઈબલ વિભાગે માત્ર 18.18 ટકા રકમ ખર્ચી

ગ્રાન્ટ રિલીઝ સામે સચિવ આલોક પાંડેની આગેવાની હેઠળના ટ્રાઈબલ વિભાગે માત્ર 18.18 ટકા રકમ ખર્ચી છે,સચિવ ડૉ. રાહુલ ગુપ્તાની આગેવાની હેઠળના ક્લાઈમેટ ચેન્જ વિભાગે 37 ટકા રકમ વાપરી છે, અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્માના નેતૃત્વમાં સામાન્ય વહીવટ વિભાગે કેવળ 41 ટકા, અગ્રસચિવ ધનંજય દ્વિવેદીના નેતૃત્વમાં પંચાયત,ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગે 42 ટકા તથા અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિની આગેવાનીમાં મહેસૂલ વિભાગે 45 ટકા રકમ ખર્ચી છે.આ નબળા વિભાગોને બજેટની રકમ ખર્ચવા માટે તાકીદ કરાઈ છે. નાણા વિભાગે રિલીઝ કરેલી ગ્રાન્ટ સામે રાજ્યમાં સૌથી વધુ 79 ટકા ખર્ચ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે ખર્ચ્યો છે. 

બજેટનો ખર્ચ

ઉદ્યોગ-ખાણ વિભાગે 59 ટકા રકમ ખર્ચી નાંખી

આ વિભાગનું વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ રૂ. 33,503.00 કરોડ છે, જેની સામે રૂ. 24,125.77 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી રૂ. 19,040.11 યાને 78.92 ટકા ખર્ચ થયો છે. જ્યારે ગ્રાન્ટ રિલીઝ સામે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે 75 ટકા, આરોગ્ય વિભાગે 61.18 ટકા, ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગે 66 ટકા, ઉદ્યોગ-ખાણ વિભાગે 59 ટકા, મહિલા-બાળવિકાસ વિભાગે 59 ટકા અને રાજ્યમાં સૌથી વધુ રૂ. 36,183.58 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા શિક્ષણ વિભાગે 58.28 ટકા રકમ વાપરી છે.

આ પણ વાંચોઃ Surat News: શાળાઓની આસપાસ 500 મીટર વિસ્તાર નશામુક્ત ઝોન જાહેર, સંચાલકોએ સાઇનબોર્ડ લગાવવા પડશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *