અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આવતા અઠવાડિયે ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આ વખતે ભારત યાત્રા દરમિયાન તેઓ દેશની રાજધાની દિલ્હીને બદલે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી જ્યાં સ્થાપિત છે તે જામનગરની મુલાકાત લેશે. 17થી 22 ઓક્ટોબર 2026 દરમિયાન તેઓ પહેલાં ઉઝબેકિસ્તાનના સમરકંદ બાદ મુંબઈ અને જામનગરની મુલાકાત લેશે. મુલાકાતનો મુખ્ય હેતુ ઉત્તમ ઊર્જા સહયોગ, દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને વ્યાવસાયિક તકોનો વિસ્તાર કરવાનો છે. વેપારી રોકાણ અને આર્થિક સહયોગની નવી તકોને પ્રોત્સાહન ભારતની બીજી સત્તાવાર મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. બેઠકોમાં અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ઊર્જા સહયોગની શક્યતાઓ પર વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા છે. આ ઉપરાંત રૂબિયો વેપારી નેતાઓને પણ મળશે. વિદેશ વિભાગે જણાવ્યું કે, તેઓ વેપારી રોકાણ અને આર્થિક સહયોગની નવી તકોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રશિયન ક્રુડ ઓઇલ વિવાદ વચ્ચે મુલાકાત નોંધનીય છે કે, આ મુલાકાત 18 ઓક્ટોબરની એ સમયમર્યાદાની આસપાસ થઈ રહી છે, જે અંતર્ગત ગ્રેહામ એક્ટ હેઠળ રશિયન ઊર્જા ખરીદતા દેશો પર ડ્યુટી (કર) લાદવાની જોગવાઈ છે. ભારત 2022થી રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ રહ્યું છે અને આ મુદ્દો વોશિંગ્ટન સાથે લાંબા સમયથી તણાવનું કારણ બન્યો છે. જામનગરની પસંદગી શા માટે? જામનગરના ખાવડીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી, એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અમેરિકાના વિદેશ વિભાગે જામનગરની પસંદગીનું કારણ હજુ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ મુલાકાતમાં ઊર્જા સહયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી આ સ્થળ મહત્ત્વપૂર્ણ બની જાય છે. પરિણામ તરફ આગળ વધતાં હોવાનો એસ. જયશંકરનો દાવો ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બ્લૂમબર્ગ ફોરમમાં વાતચીત દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે આ મામલો હવે કોઈ પરિણામ તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકા પોતાના સ્થાનિક ઉદ્યોગોને ફરીથી બેઠા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તે અન્ય દેશો માટે પોતાના બજાર સુધી પહોંચવાની શરતોમાં સતત ફેરફાર કરી રહ્યું છે.’ જયશંકરે વધુમાં ઉમેર્યું કે, ‘તાજેતરના દિવસોમાં અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું છે. તમામ દેશોએ અમેરિકા સાથેના પોતાના સંબંધોની નવેસરથી ગણતરી કરવાની જરૂર છે અને તેનાથી આ સંબંધોને ફરીથી નવા સ્તરે નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.’ મે મહિનામાં પણ માર્કો રુબિયોએ મુલાકાત કરી હતી માર્કો રુબિયોએ તેમની અગાઉની ભારત મુલાકાત દરમિયાન વેપાર, ઊર્જા, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક વિકાસ જેવા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી અને એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. 24 મેના રોજ જયશંકર સાથે થયેલી બેઠકમાં રુબિયોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો એક ટકાઉ વેપાર કરાર સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું હતું કે, વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે અને અમેરિકાને પણ આશા છે કે એવો કરાર થઈ શકશે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય. ટ્રેડ એગ્રીમેન્ટ કેવી રીતે આગળ વધશે? બીજી તરફ, એસ. જયશંકરે વચગાળાના વેપાર કરારને (ઇન્ટરિમ ટ્રેડ એગ્રીમેન્ટ) વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની વાત કહી હતી. મે મહિનામાં મળેલી બેઠકમાં ઊર્જાના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા, પરમાણુ સહયોગ, મહત્વપૂર્ણ ખનિજો (ક્રિટિકલ મિનરલ્સ), ટેકનોલોજી અને ભારતીય મુસાફરોના વિઝા સંબંધિત પડકારો પર ચર્ચા થઈ હતી. આ વખતની બેઠકમાં અગાઉની બેઠકના નિર્ણયોની સમીક્ષા (રિવ્યૂ) થવાની પણ શક્યતા છે. 200થી વધુ ડેલિગેશન્સ સાથે આવશે ભારત આવતા પહેલા રૂબિયો સમરકંદમાં C5+1 (મધ્ય એશિયાના 5 દેશ + 1 USA) મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ મંચ અમેરિકા અને મધ્ય એશિયાના પાંચ દેશો- કઝાકિસ્તાન, કિરગિઝ પ્રજાસત્તાક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન- ને એકસાથે લાવે છે. ત્યાં તેઓ આ દેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક મુલાકાતમાં રૂબિયો 200થી વધુ વેપારી નેતાઓ ધરાવતા અમેરિકી વાણિજ્યિક પ્રતિનિધિમંડળ (કોમર્સિઅલ ડેલિગેશન)નું નેતૃત્વ કરશે. તેનો હેતુ અમેરિકા અને મધ્ય એશિયા વચ્ચે મજબૂત વેપારી સહયોગનો નવો અધ્યાય શરૂ કરવાનો છે.
વિશ્વના સૌથી મોટા ક્રુડ ઓઇલ હબ રિલાયન્સ પર અમેરિકાની નજર!:USના વિદેશ મંત્રી જામનગર-મુંબઈની મુલાકાતે આવશે, ઉચ્ચ અધિકારીઓ-બિઝનેસમેન સાથે બેઠક કરશે
📅 Published: October 14, 2026 |
📂 Category: International
