અયોધ્યાના રામ મંદિરમાં દાન અને સોના-ચાંદીના આભૂષણોની ચોરીની તપાસ ચાલી રહી છે, ત્યારે હવે વારાણસીના અત્યંત પવિત્ર અને પૂજનીય કાશી વિશ્વનાથ મંદિરમાંથી સોનાની ચોરીના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલો સીધો વડા પ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચતા હલચલ મચી ગઈ છે અને તેની ગંભીરતાને જોતાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના બાદ મંદિર વહીવટીતંત્ર પણ સક્રિય થઈને આંતરિક તપાસમાં જોડાઈ ગયું છે.
સોનાનો કળશ થયો ગાયબ
વારાણસીના તેલિયાબાગના રહેવાસી એડવોકેટ નિત્યાનંદ રાયે 29 સપ્ટેમ્બરના રોજ ડિવિઝનલ કમિશનર, પીએમઓ અને મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મંદિરના ઉત્તરીય દરવાજાની ઉપરના ભાગેથી સોનાનો કળશ ગાયબ છે. આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુવર્ણ શિખરના અન્ય કેટલાક ભાગોમાંથી પણ સોનું ગાયબ થઈ રહ્યું છે અને સોનાના કેટલાક પતરાં કે ઢોળ હલકી સ્થિતિમાં છે, જે જોરદાર પવન કે અન્ય કારણોસર પડી જવાનો ભય છે.
વકીલે તપાસની કરી માંગ
ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે મંદિર વહીવટીતંત્ર પાસે આ અંગે માહિતી માંગી ત્યારે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો અને મંદિરની વેબસાઇટ પર પણ આ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. વકીલે માંગ કરી છે કે વિશ્વનાથ મંદિર પ્રશાસન દ્વારા મંદિરની અંદર રહેલી તમામ સોના-ચાંદીની સંપત્તિ અંગે એક વિસ્તૃત શ્વેતપત્ર (White Paper) બહાર પાડવામાં આવે અને આ માહિતી સાર્વજનિક કરવામાં આવે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીએમઓ દ્વારા ફરિયાદી એડવોકેટ નિત્યાનંદ રાયનું ફોન પર નિવેદન પણ લેવામાં આવ્યું છે.
મંદિર પ્રશાસને કરી સ્પષ્ટતા
બીજી તરફ, કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઉત્તરીય દરવાજા પર મૂકવામાં આવેલો સોનાનો કળશ તાજેતરમાં વાંદરાઓની ૨મત કે કૂદકા મારવાની ઘટના દરમિયાન નીચે પડી ગયો હતો, જેને સુરક્ષિત રીતે સંગ્રહ સુવિધામાં રાખવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે કોઈપણ તકનીકી પરીક્ષણ વગર કળશને ફરીથી સ્થાપિત કરવો યોગ્ય નથી, તેથી આ માટે IIT મદ્રાસનો સંપર્ક કરવામાં આવ્યો છે. IIT ની ટીમ દ્વારા પ્રાથમિક સર્વેક્ષણ પણ કરી લેવાયું છે અને સમગ્ર સુવર્ણ શિખરના સમારકામ માટે ભલામણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sugar : ખાંડનો મોહ છોડો અને ડાયેટમાં સામેલ કરો આ ફ્રુટ, મિઠાશ અને સ્વાદ પણ એજ
