Kheda News: 500 બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખેલ! શાળા પચાવી પાડનારા આતંકી તત્વો સામે ક્યારે થશે કડક કાર્યવાહી?

📅 Published: October 14, 2026 | 📂 Category: Crime

ખેડા જિલ્લામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સંચાલિત એક શાળામાં અચાનક 8 થી 10 જેટલા શખસોએ ગેરકાયદેસર રીતે ઘૂસીને શાળા પર કબજો જમાવી લીધો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તત્વોએ શાળા પરિસરમાં પ્રવેશ કરીને ત્યાં મૂકેલા CCTV કેમેરા તેમજ દસ્તાવેજી પુરાવા રૂપ DVR ઉપકરણોની તોડફોડ કરી હતી અને શાળાના કર્મચારીઓ પાસેથી દાદાગીરીથી ચાવીઓ આંચકી લીધી હતી.

500 વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુરક્ષા સામે સવાલો

શાળા પર અચાનક થયેલા આ ગેરકાયદે કબજાને કારણે ત્યાં અભ્યાસ કરતા 500 જેટલા માસૂમ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે ઘનશ્યામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ, શાળાના શૈક્ષણિક કાર્યમાં રૂકાવટ ઊભી થઈ છે અને બાળકો તેમજ શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસની કામગીરી સામે આક્રોશ

ટ્રસ્ટના હોદ્દેદારોએ સ્થાનીય પોલીસ તંત્ર સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આક્ષેપ કરાયો છે કે ઘટના અંગે જાણ કરવા છતાં પોલીસે ત્વરિત અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરી નથી. ઘનશ્યામ એજ્યુકેશન ટ્રસ્ટે કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે શાળાને અસામાજિક તત્વોના પંજામાંથી તાત્કાલિક ધોરણે મુક્ત કરાવવામાં આવે અને 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં તે માટે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે.

આ પણ વાંચો : Sandesh Navratri 2026 Contest : બેસ્ટ ડ્રેસ્ડ કપલથી લઈને શાનદાર ગરબા કોન્ટેસ્ટ સુધી… નિહાળો નવરાત્રીના ઉત્સાહની ઝાંખી કરાવતા આકર્ષક PHOTOS!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *