માસૂમ બાળકીને પાંચમા માળેથી ફેંકી દેવાનો કેસ પેંચીદો બન્યો:રાજકોટમાં 2 વર્ષની બાળકીના શંકાસ્પદ મોતના પ્રકરણમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માંગી

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં 2 વર્ષની માસુમ બાળકીને કોઈએ પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં બાળકીની માતાએ મીડિયા સમક્ષ વિલાપ કર્યો હતો. અહીં સીસીટીવી રેકોર્ડિંગ પણ ન હોવાથી પોલીસ માટે આ કેસ પેંચીદો બન્યો છે ત્યારે પોલીસને બાળકીના માતા સહિતના પરિવારજનો પર શંકા હોવાથી તમામનો નાર્કો ટેસ્ટ કરવા માટે રાજકોટ કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી છે. પુનમબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, તા.12 ઓક્ટોબરના સાંજે હું બાથરૂમમાં હતી ત્યારે મને મમ્મી મમ્મી એવો અવાજ સંભળાયો. જેથી હું તરત બહાર નીકળી અને બધાના ઘરે પૂછવા ગઈ કે ઢીંગું અહીં છે ? તો બધાએ કહ્યું કે અહીં નથી. જે બાદ હું ચોથા માળે બે ત્રણ ઘરે પૂછવા ગઈ તો ત્યાંથી પણ એવો જવાબ મળ્યો કે ઢીંગું અહીં નથી. જે બાદ હું પાંચમા માળે ગઈ તો બધા વાતો કરતા હતા કે કોઈનું છોકરુ નીચે પડ્યું છે. જયદેવ પરસોરાએ જણાવ્યું હતું કે, અમારા ઘર પાસે ત્રણ ચાર દિવસથી કોઈ ચપ્પલ, ગોદડું, કુંડુ બધુ પાડી દેતા હતા. જોકે આપણને એ ખબર જ ન હોય કે કોઈ વ્યક્તિ બાળકને ફેંકી દેશે. મારી પોલીસ અને સરકારને એક જ અપીલ છે કે ન્યાય મળવો જોઈએ. મારા બનેવી અવારનવાર બેન સાથે ઝઘડો કરતા હતા અને તેને કારણે જ મારા બેન રીસામણે માવતર આવી ગયા હતા. તો કે મને મારા પડોશીઓ કે કોઈના ઉપર શંકા નથી. કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં 2 વર્ષની માસુમ બાળકીને કોઈએ પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પતિ સાથે થતા ઝઘડાના કારણે છેલ્લા બે વર્ષથી પત્ની પોતાની બાળકી સાથે માવતરે રિસામણે રહેતી હતી. જ્યાં બાળકીના નાના-નાની અને મામા-મામી રહે છે. બાળકીને કોને પાંચમાં માળેથી નીચે ફેંકી તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી અને અહીં રાખવામાં આવેલા સીસીટીવીમાં પણ રેકોર્ડિંગ ન હોવાથી પોલીસ માટે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવી અઘરી બની છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં સી-વિંગમાં પાંચમા માળે ફલેટ નં. 504માં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ પરસોડાની દોહીત્રી (દિકરીની દિકરી) સ્નેહલ સંજયભાઈ સાકરીયા (ઉ.વ.2 વર્ષ 4 મહિના)નું પાંચમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું છે. તા.12 ઓક્ટોબરના સાંજે 7 વાગ્યે આ ઘટના જાહેર થતાં સમગ્ર ટાઉનશીપમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ 4 ફુટ જેવી ઉંચી દિવાલ છે. આ દિવાલ પર માસુમ બાળકી કોઇ રીતે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇ, મામા સહિતે દર્શાવતાં ઘટના સ્થળે બી-ડિવીઝન
પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પંચનામાની કાર્યવાહી બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. બનાવ અંગે મૃતક દીકરીના પરીવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓની દિકરી પૂનમબેન સંતકબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્તિ સોસાયટીમાં સાસરે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે થયા છે. જમાઇ સંજયભાઈ ડ્રાઇવીંગ કરે છે. તેણીને સંતાનમાં એક દિકરી સ્નેહલ હતી. દિકરી પૂનમબેન અને તેણીના પતિ સંજયભાઇ વચ્ચે મનમેળ ન હોય જેથી દિકરી 2 વર્ષથી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં માવતરે રહેતી હતી. પરીવાર આ ટાઉનશીપમાં નવ વર્ષથી રહે છે. મૃતક બાળાના નાના-નાની, મામા મામી સાથે રહે છે. તેઓની બાજુમાં એક વૃધ્ધા વર્ષાબેન રહે છે. એક માળમાં 8 ફલેટ આવેલા છે. દિકરી સ્નેહલ ઉપરના માળે રહેતાં પરિવારમાં એક બીજી સાત વર્ષની નાની દિકરી સાથે અવાર-નવાર રમવા માટે પાંચમા માળેથી છઠ્ઠા માળે જતી હતી.સોમવારે સાંજે 7 વાગ્યે દોહિત્રી સ્નેહલ ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. જે પછી થોડી જ મિનીટો બાદ એક બાળક સ્નેહલ પડી ગઇ હોવાનું કહેવા આવ્યો હતો. દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્યારે ખબર પડી હતી કે સ્નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે. જેથી પરીજનોને શંકા ઉદભવી હતી કે, ચાર ફુટથી વધુ ઉંચાઈની દિવાલની પાળી સુધી નાનીબાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ. પીઆઇ જી.આર. ચૌહાણે જણાવ્યું હતું કે, શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં બાળકીને પાંચમા માળેથી કોઈએ ફેંકી દીધી છે જોકે કોણે ફેંકી તે હજુ સુધી તપાસમાં સામે આવ્યું નથી. અહીં સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા પરંતુ તેમાં રેકોર્ડિંગ ન થતું હોવાનું જાણવા મળ્યું છે. અમે પરિવારજનો અને આસપાસના પડોશીઓની પૂછપરછ કરી રહ્યા છીએ તેમના તરફથી એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી કોઈ વ્યક્તિ કપડા, ચાદર, ગોદડા, ચપ્પલ અને કુંડા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. જોકે સીસીટીવી રેકોર્ડિંગ ન હોવાથી કોણ આ કૃત્ય કરે છે તે સામે આવ્યું નથી. અમે બાળકીના મોત મામલે તેના માતા સહિતના પરિવારજનો શંકાના દાયરામાં છે ત્યારે તેમના નાર્કો ટેસ્ટ કરવા માટેની મંજૂરી કોર્ટ પાસે માગવામાં આવી છે જે મંજૂરી આવ્યા બાદ નાર્કો ટેસ્ટ થશે અને તેના આધારે ખ્યાલ આવશે કે કોના દ્વારા આ બાળકીને પાંચમા માળેથી નીચે ફેકવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *