કેપ્ટન સ્મિતનાં મોઢામાં સિક્રેટ ગોળી કોણે નાખી?:દુબઇ પોલીસે માલદીવના બે પાઇલટને ઉઠાવ્યા, હુમલાખોર સાથે ખતરનાક કનેક્શન, હવે મોટો ધડાકો થશે

📅 Published: October 14, 2026 | 📂 Category: International

એક પ્લેનને હાઈજેક થતું બચાવીને દુનિયામાં હિરો બની ગયેલા સ્મિત મચ્છર મામલે મોટા સમાચાર આવ્યા છે. UAE સરકારે 2 માલદિવના પાયલટને પકડી પાડ્યા છે જે પણ ઓમાની કોપાયલટ હમામ અલ હમ્મામી સાથે કોન્ટેક્ટ સામે આવ્યા છે. શું છે આખો મામલો? શું આ 9/11 જેવું જ મોટું ષડયંત્ર હતું? આવા જ અનેક સવાલોના જવાબો વિશે વિગતે વાત કરીએ… નમસ્કાર… ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બનેલી ઘટના એક હાઈજેકિંગની ટ્રાય નહોતી, પણ આખી ગ્લોબલ એવિએશન સિક્યોરિટીના ગાલ પર પડેલો સણસણતો તમાચો હતો. આપણે હંમેશા એવું માનતા આવ્યા છીએ કે આતંકવાદીઓ મુસાફર બનીને પ્લેન હાઈજેક કરે છે, પણ જો આતંકી પોતે જ પાયલટનો યુનિફોર્મ પહેરીને વિમાનની ડ્રાઈવર સીટ સુધી પહોંચી જાય તો? આ કેટલું ખતરનાક કહેવાય? આવું જ કંઈક UAEના દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જતી બોઈંગ 737 મેક્સ ફ્લાઈટમાં થયું. 29 વર્ષના ઓમાની કો-પાયલટ હમામ અલ હમ્મામીએ બુલેટપ્રુફ દરવાજો અંદરથી બંધ જોયો અને તરત જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. તેણે કોકપીટમાં રાખેલી ક્રેશ એક્સ કાઢીને પ્લાન ઉડાવનાર ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો. સ્મિત મચ્છરની ખોપરીનું હાડકુ દબાઈને તૂટી ગયું અને લોહીના ફુવારા ઉડવા લાગ્યા. સ્મિતની આંખોમાં અંધારા છવાઈ ગયા અને તે ધબ્બ દઈને નીચે પડી ગયા. આતંકી કો-પાયલટે વિમાનનું નાક સીધું જમીન બાજુ વાળી દીધું અને 120 સેકન્ડમાં જ વિમાન આકાશમાં 34 હજાર ફૂટથી નીચે ખાબકીને 16 હજાર ફૂટ પર પહોંચી ગયું. વિમાનની ડ્રાઈવિંગ કેબિન કોકપીટમાં મોતની ચીસ ગુંજવા લાગી, પણ લોહીલુહાણ કેપ્ટન સ્મિતે કોકપિટને ખોલવાના દરવાજાનું બટન દબાવી દીધું. બસ આટલું કરતાંની સાથે જ બહાર રહેલા પાયલટ અને મુસાફરો અંદર દોડી આવ્યા અને આતંકીને કેબલ અને ટેપથી બાંધી દીધો. આ બધી વાતો તો આપણને ખબર જ છે, એટલે હવે આપણને જે નથી ખબર તેની વાત શરૂ કરીશું. હાલ ઘાયલ સ્મિતની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પણ આ ઘટનાએ અનેક બીવડાવી દે એવા સવાલો ઉભા કર્યા છે. મુસાફરોનો આરોપ હતો કે જ્યારે ડોક્ટર લોહીલુહાણ કેપ્ટન સ્મિતનો જીવ બચાવી રહ્યા હતા, ત્યારે જ ફ્લાઈટના એક કેબિન ક્રૂ મેમ્બરે કેપ્ટનના મોઢામાં બળજબરીથી એક સિક્રેટ દવા ઠુંસવાની ટ્રાય કરી. આટલું જ નહીં હો, કેટલાક ક્રૂ મેમ્બર્સે આતંકીના બાંધેલા હાથને ખોલીને ઢીલા કરવાની કોશીશ કરી એવા સમાચાર સામે આવ્યા છે. બીજી પણ અમુક બાબતો છે જેના ધીમે-ધીમે ખુલાસા થઈ રહ્યા છે આપણે હવે તેની પણ વાત કરી લઈએ. હમ્મામીના મગજમાં હુમલાના મૂળિયા ઓસ્ટ્રેલિયામાં નખાયા ઈન્ટરનેશનલ ન્યૂઝમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે આતંકી હુમલામાં ટેરેરિસ્ટ હથિયાર શોધતા હોય છે, પણ ઓમાની કેપ્ટન હમામ અલ હમ્મામીએ પોતાની જાતને જ એક જીવતો બોમ્બ બનાવવા માટે 9 વર્ષ લગાવી દીધા હતા. UAEથી એટર્ની જનરલ હમાદ સૈફ અલ-શમ્સીએ જે રિપોર્ટ આપ્યો છે તે વાંચો તો લોહી ઉકળી જશે. તેમાં એક વાત કહેવામાં આવી છે કે હમામીનો આ અચાનક ફાટેલો ગુસ્સો ન હતો પણ 2017થી તેના મગજમાં ચાલતું એક ખતરનાક મિશન હતું. જે કાવતરાના મૂળિયા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં નંખાયા હતા. 2017માં જ્યારે હમ્મામી ત્યાં ભણવા માટે ગયો હતો ત્યારે બ્રોડમીડોઝ એરિયાના માય સેન્ટર અને ઓનલાઈન આતંકી ડોક્યુમેન્ટ્સથી આતંકવાદીઓના કોન્ટેક્ટમાં આવ્યો હતો. ત્યાં જ તેના મગજમાં 9/11 સ્ટાઈલથી પ્લેન ક્રેશ કરવાનું ભૂત સવાર થઈ ગયું હતું. તેણે એક આતંકી હુમલો કરવા માટે પાયલટ બનવાનું નક્કી કર્યું. તપાસમાં હમામ અલ-હમ્મામીએ માન્યું છે કે, “મેં સર્ચ કર્યું હતું કે કયું પ્લેન તેલ અવીવ જાય છે, અને એટલે જ મેં જાન્યુઆરી 2026માં ફ્લાયદુબઈમાં નોકરી લીધી હતી.” હમ્મામીનો ટાર્ગેટ ઈઝરાયલના બહેન ગુરિયન એરપોર્ટનું પેસેન્જર ટર્મિનલ હતું, જ્યાં પ્લેન અથડાવીને તે હજારો ઈઝરાયલી લોકોને મારી નાખવા માગતો હતો. જેના માટે હમ્મામીએ જે તૈયારીઓ કરી હતી તે જાણીને તો ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ પણ ચક્કર ખાઈ ગઈ. ફ્લાઈ દુબઈમાં 6 માલદીવિયન પાયલટમાંથી 2 જબ્બે અહીંથી આપણને એવું લાગે છે કે આ એક લોન વુલ્ફ એટેક હતો કે એકલો માણસ આ બધુ કરવા માગતો હતો. જો કે તે એકલો જ હતો, તો પછી 3 ઓક્ટોબરના UAE પોલીસે ફ્લાઈદુબઈના જ બીજા 2 માલદીવિયન પાયલટની અટકાયત કેમ કરી? ઈન્ટરનેશનલ રિપોર્ટસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાયદુબઈમાં માલદીવના 6 પાયલટ કામ કરે છે, જેમાંથી સૌથી નવી ભરતી થયેલા આ બે પાયલટ્સને પોલીસે ઉઠાવી લીધા છે. ચોંકાવનારી વાત અહીં એ છે કે આ બંને પાયલટ દુબઈમાં એ જ બિલ્ડિંગમાં રહેતા હતા જ્યાં આતંકી અલ-હમ્મામી રહેતો હતો. ખાલી એટલું જ નહીં, તે બધા સાથે ડ્યૂટી કરતા હતા અને પહેલા ઈઝરાયલની ફ્લાઈટ પણ ઉડાવી ચૂક્યા છે. માલદિવ્સની અધધુ નામની સમાચાર સંસ્થા મુજબ ઓમાની કો-પાયલટ અને બંને પકડાયેલા લોકો એક કોર્પોરેટ ઈવેન્ટમાં ભેગા પણ થયા હતા. UAE બંને માલદીવિયન નાગરિકોને પકડતા પહેલા માલદીવ સરકારને જાણ કરી હતી. અત્યાર સુધી આ બંને માલદીવિયન નાગરિક કોણ છે તેના નામ UAE સરકારે બહાર નથી પાડ્યા. આ મામલે માલદીવ સરકારે, માલદીવ રાષ્ટરપતિ ભવને કે વિદેશ મંત્રાલયે આ મામલે કંઈ બોલવાની ના પાડી છે. પણ 3 ઓક્ટોબરે માલદીવના સરકારી પ્રવક્તા મોહમ્મદ હુસૈન શરીફે કહ્યું હતું કે, આતંકવાદની ખાઈમાં ધસતું માલદીવ હવે UAE સરકાર એ એંગલ પર કામ કરી રહી છે કે આ બંને માલદીવિયન પાયલટ હમ્મામી સાથે જોડાયેલા હતા કે નહીં. માલદીવ પર શક એટલા માટે પણ વધારે ઘેરો બને છે કારણ કે પાછલા બે દાયકામાં માલદીવ આતંકવાદનો ગઢ બની ગયું છે. ત્યાં આતંકવાદનું બી અલ-કાયદાએ રોપ્યું હતું જે હવે મોટું થઈને વટવૃક્ષ બની ગયું છે. શરૂઆતના સમયમાં માલદીવથી ઘણા લોકોને સિરિયા આતંકી ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બધા આતંકીઓ HTS એટલે કે હયાત તહરીર અલશામ નામના ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાઈ ગયા. વર્ષ 2014-15માં માલદીવના 423 નાગરિક ઈસ્લામિક સ્ટેટ માટે દેશ છોડીને ભાગી ગયા હતા. જેમાંથી 173 લોકોને ઓફિશિયલી આતંકી પણ જાહેર કરવામાં આવ્યા. કહેવાય છે કે માલદીવમાં દર 2 હજારમાંથી 1 વ્યક્તિ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા છે. ચોંકી જશો પણ આમાંથી અડધા ભાગના એટલે કે 48 ટકા તો મહિલા અને બાળકો હતા. ટૂંકમાં જે દેશના ભણેલા-ગણેલા નાગરિકો આતંકવાદના રસ્તે ચાલવા લાગે તો કોઈ પાયલટના આતંકી બનવું કોઈ નવી નવાઈ ન કહેવાય. પણ જ્યાં સુધી સાઉદી અરબ પોલીસ ઓફિશિયલી ચાર્જશીટ ફાઈલ ન કરે ત્યાં સુધી આ બે માલદીવિયન પાયલટોને દોષિત ન માની શકાય. પણ બનવા માટે એવું પણ બની શકે કે એ ખાલી આતંકીના પાડોશી અને સાથે કામ કરતા હોવાના કારણે પણ પોલીસે પકડ્યા હોય. પણ ધડાકો અહીં ફ્લાઈટમાં બેસેલા મુસાફર અસાફ રેજવાનીની જુબાનીથી થાય છે. તે દિવસે વિમાનમાં બધા પુરુષ ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે ઈઝરાયલી પ્લમ્બર યાનીવ હયુન અને બીજા મુસાફરોએ આતંકીને દબોચી લીધો ત્યારે અમુક ક્રુ મેમ્બર્સે મુસાફરોને મોબાઈલ વીડિયો બનાવતા રોક્યા હતા. જ્યારે ડેન્ટિસ્ટ મુસાફર ડોક્ટર મુસાયેવ લોહીલુહાણ કેપ્ટન સ્મિત મચ્છરના શ્વાસ ચાલુ રાખવા મહેનત કરી રહ્યા હતા ત્યારે એક ફ્લાઈટ એટેન્ડન્ટે કેપ્ટનના મોઢામાં એક સિક્રેટ દવા મૂકવાની ટ્રાય કરી હતી એવો પણ દાવો થયો છે. આ જ કારણે ઈઝરાયલે ફ્લાયદુબઈની ઉડાનો પર તાત્કાલિક બેન મૂકી દીધો છે. બ્લેકલિસ્ટ થયેલા પાયલટને નોકરી કેમ મળી? 30 સપ્ટેમ્બરે સાઉદી સરકારે કેપ્ટનની સર્જરી કરાવીને 1 ઓક્ટોબરે જ તેને એરલિફ્ટ કરીને UAE મોકલી આપ્યા હતા. અત્યારે સાઉદી અરેબિયા અને અમેરિકાની NTSB તો બ્લેક બોક્સના આધારે ટેક્નિકલ તપાસો કરી રહ્યા છે. પણ આ આખા કેસનો સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ખબર પડી કે આ આતંકી પાયલટને અગાઉ પણ બે-બે એરલાઈન્સે કાઢી મૂક્યો હતો તો પછી બેવાર બ્લેકલિસ્ટ થયેલો માણસ દુબઈની ફ્લાઈટના કોકપિટ સુધી પહોંચ્યો તો પહોંચ્યો કેવી રીતે? આ જ સવાલના જવાબમાં આખી ગેમની ખબર પપડે છે. કારણ કે અસલી કાવતરું કોકપિટના દરવાજા પાછળ નહીં પણ ગ્લોબલ એવિએશનની ભ્રષ્ટ સિસ્ટમના કારણે શક્ય બન્યું હતું. આવું કેમ? કારણ કે તમે જ વિચારો જે માણસ 2020થી 2024 સુધી ઓમાન એરમાં કામ કરતો હતો, તેને ત્યાંના ઓફિશિયલન્સે કટ્ટરપંથી વિચારો અને સિક્યોરિટી થ્રેટ ગણીને તગેડી મૂક્યો અને પાયલટ લાઈસન્સ પર પણ બેન મૂક્યો તો આ માહિતી સાઉદી અરેબિયાએ કેમ ચેક ન કરી? આ બધુ થયા પછી 2025માં મોરક્કોની રોયલ એર મારોક એરલાઈને પણ હમ્મામને ત્રણ મહિનાની તાલીપ પછી નોકરી આપવાની ઘસીને ના પાડી દીધી હતી. પણ જાન્યુઆરી 2026માં ફ્લાયદુબઈએ મોટાપાયે પાયલટોની ભરતી ચાલુ કરી, ત્યારે જ આ હમ્મામી સીધો બોઈંગ 737 મેક્સના કોકપિટ સુધી પહોંચી ગયો. જો આ મુસીબતમાં કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની બુદ્ધિથી પરિસ્થિતિ ન સંભાળી હોત તો આજે આખી દુનિયાના ન્યૂઝપેપરની હેડલાઈન્સ કંઈક અલગ જ સમાચાર આપતી હતો. હવે સમય આવી ગયો છે કે ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને બધી એરલાઈન્સ માટે ગ્લોબલ રેડ ફ્લેગ ડેટાબેઝ તૈયાર કરવો પડશે, જેથી દુનિયાના કોઈ પણ ખૂણે નોકરીમાંથી હાંકી કઢાયા પછી કોઈ કટ્ટરપંથી પાયલટ બીજી એરલાઈનના કોકપિટ સુધી ન પહોંચી શકે. અને છેલ્લે… બે દિવસ પહેલા ઈથિયોપિયાથી એક કાર્ગો વિમાન ઈઝરાયલ રવાના થયું હતું. વિમાન ઉડ્યા પછી ઈથિયોપિયાએ ડિટેઇલ શેર કરી. તપાસ કરવામાં આવી તો પાઇલટ ઈન્ડોનેશિયાનો હતો. જેને ઈઝરાયલને દેશ માનતું નથી. એટલે ઈઝરાયલે પ્લેનને લેન્ડ થવા દીધું નહીં. વિમાન પાછું ગયું, ઈન્ડોનેશિયાની જગ્યાએ બીજા દેશના પાયલટને કમાન સોંપાઈ અને ત્યારે જઈને ઈઝરાયલે પ્લેન લેન્ડ થવા દીધું. કહેવાનો મતલબ એ છે કે, દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *