અમદાવાદ શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીની મદદથી મહિલાનો અન્ય અજાણી વ્યક્તિ સાથે ફોટો મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ગંભીર કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ પુરાવા અને એનાલિસિસના આધારે રાજકોટના જેતપુર ખાતેથી 30 વર્ષીય નિશાંત લખલાણી નામના શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાનો ફોટો અજાણી વ્યક્તિ સાથે મર્જ કરી દીધો
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક પીડિત મહિલા દ્વારા પોતાના ફોટાનો દુરુપયોગ થયો હોવા અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શખ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહિલાનો ફોટો અજાણી વ્યક્તિ સાથે મર્જ કરી દીધો હતો.
ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની સ્ટોરીમાં અપલોડ કર્યો
ત્યારબાદ આ મોર્ફ કરેલી તસવીરને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની સ્ટોરીમાં અપલોડ કરવામાં આવી હતી. સમાજમાં મહિલાની છબી ખરડવા અને બદનામ કરવાના બદઇરાદાથી આ આખું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ મહિલાને બદનામ કરવા જાણીજોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો હતો.
30 વર્ષીય નિશાંત લખલાણી નામના શખ્સને ઝડપી લીધો
આ સમગ્ર મામલે ગુનો નોંધીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ટેકનિકલ પુરાવા અને ડિજિટલ ડેટાનું વિશ્લેષણ શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા આઈડી અને ઇન્ટરનેટ આધારિત ટેકનિકલ તપાસના અંતે પોલીસની ટીમ રાજકોટ જિલ્લાના જેતપુર સુધી પહોંચવામાં સફળ રહી હતી. સાયબર પોલીસે જેતપુરમાં છાપો મારીને 30 વર્ષીય નિશાંત લખલાણી નામના શખ્સને ઝડપી લીધો હતો.
કોઈ બાબતે મનદુઃખ સર્જાયું હતું
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે અગાઉ મિત્રતા હતી. બંને વચ્ચે વાતચીત દરમિયાન કોઈ બાબતે મનદુઃખ સર્જાયું હતું અને તે અદાવતમાં બદલો લેવા આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કાયદેસરની વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Meerut : પ્રેમ, દગો અને ખૂન, વાંચો..બ્લૂ ડ્રેમ કેસથી ચર્ચિત સૌરભ હત્યાકાંડની કંપાવી નાખે તેવી કહાની
