Gujarat : મિશન 2027 અંતર્ગત આદિવાસી વિસ્તારની 27 બેઠકો જીતવા ભાજપે ઘડી આક્રમક રણનીતિ

📅 Published: October 14, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં આગામી મિશન 2027ની ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિસ્તારની તમામ 27 બેઠકો પર સંપૂર્ણ ફોકસ વધાર્યું છે. ખાસ કરીને પક્ષ દ્વારા ઓછા માર્જિનથી જીતેલી બેઠકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નર્મદા ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં પ્રભારી તરુણ ચુગે મંત્રીઓ અને હોદ્દેદારોને ગ્રાઉન્ડ લેવલે સક્રિય થવા નિર્દેશ આપ્યા છે.

મંત્રીઓને વિશેષ ટાસ્ક સોંપવામાં આવ્યા

નર્મદા ખાતે આયોજિત બેઠકમાં ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગ દ્વારા મંત્રીઓને વિશેષ ટાસ્ક સોંપવામાં આવ્યા છે. જેમાં પ્રવીણ માળી, નરેશ પટેલ, પ્રદ્યુમ્ન વાજા તેમજ પી. સી. બરંડાને આદિવાસી પટ્ટામાં ચૂંટણીલક્ષી મોરચો સંભાળવા મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ તમામ મંત્રીઓ અને નેતાઓ હવે સીધા જનતા દરબારમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે. 

3 દિવસ અને 4 રાત્રીનું રોકાણ ફરજિયાતપણે કરવાનું રહેશે

આ કામગીરી અંતર્ગત તેમણે પ્રતિ અઠવાડિયે સંબંધિત ક્ષેત્રોમાં 3 દિવસ અને 4 રાત્રીનું રોકાણ ફરજિયાતપણે કરવાનું રહેશે. આ રોકાણ દરમિયાન મંત્રીઓ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળ પર રૂબરૂ તપાસણી હાથ ધરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવશે અને વહીવટી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.

સ્થાનિક સંગઠનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા 

આ અભિયાનમાં મંત્રીઓ સ્થાનિક સંગઠનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા પણ કરશે અને પક્ષના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે સ્થાનિક નાગરિકોને માહિતી આપી માહિતગાર કરવામાં આવશે. દરેક સરકારી યોજનાનો લાભ ઘર-ઘર સુધી પહોંચાડવા માટે નેતાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. સામાન્ય નાગરિકોને યોજનાઓના મળેલા લાભ અંગે સમીક્ષા હાથ ધરાશે અને પાત્રતા ધરાવતા તમામ લોકોને યોજનાકીય લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં પક્ષના પાયાને વધુ મજબૂત કરવાના આશયથી આ આયોજન કરાયું છે.

અહેવાલ સરકાર તેમજ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે

ક્ષેત્રિય મુલાકાત પૂર્ણ થયા બાદ નિયુક્ત મંત્રીઓ આદિવાસી વિસ્તારોની સ્થિતિનો સમગ્ર ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે. આ વિગતવાર અહેવાલ સરકાર તેમજ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના આધારે ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવશે. ખાસ કરીને જે બેઠકો અગાઉ ઓછા માર્જિનથી જીતાઈ હતી ત્યાં મતદારો સાથેનો સંપર્ક સઘન બનાવી જનતાનો વિશ્વાસ સંપાદન કરવા ભાજપ અત્યારથી પૂરજોશમાં કામે લાગી ગયું છે.

                                

આ પણ વાંચો :   Meerut : પ્રેમ, દગો અને ખૂન, વાંચો..બ્લૂ ડ્રેમ કેસથી ચર્ચિત સૌરભ હત્યાકાંડની કંપાવી નાખે તેવી કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *