IND vs WI: સંજુ સેમસને છગ્ગાની સદી ફટકારી, ભારતે પણ પૂરા કર્યા T20Iમાં 2,000 છગ્ગા

📅 Published: October 14, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 ઇન્ટરનેશનલ મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 23 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. સેમસને 243.48ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન સેમસને T20 ઇન્ટરનેશનલમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા. આ સાથે તે પુરુષોની T20I ક્રિકેટમાં 100 કે તેથી વધુ છગ્ગા ફટકારનારો છઠ્ઠો ભારતીય બેટર બન્યો હતો. 

રોહિત-વિરાટ સહિતના દિગ્ગજોની યાદીમાં સ્થાન

સંજુ સેમસન હવે ભારતીય ક્રિકેટના એવા બેટર્સની યાદીમાં સામેલ થયો છે, જેમણે T20 ઇન્ટરનેશનલમાં 100થી વધુ છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં રોહિત શર્મા સૌથી આગળ છે.

ભારતના મુખ્ય છગ્ગા ફટકારનારા બેટર્સના આંકડા

• રોહિત શર્મા – 205 છગ્ગા

• સૂર્યકુમાર યાદવ – 179 છગ્ગા

• અભિષેક શર્મા – 141 છગ્ગા

• હાર્દિક પંડ્યા – 126 છગ્ગા

• વિરાટ કોહલી – 124 છગ્ગા

• સંજુ સેમસન – 102 છગ્ગા

આ સિદ્ધિ દર્શાવે છે કે સેમસન ટૂંકા ફોર્મેટમાં ભારતના આક્રમક બેટર્સમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યો છે. 

2026માં પણ સેમસનનું બેટ જોરદાર ચાલ્યું

સંજુ સેમસન માટે 2026નું વર્ષ પણ મહત્વનું રહ્યું છે. તેણે આ વર્ષે 24 મેચ અને 687 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 178.44 રહ્યો હતો. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર 97 અણનમ રહ્યો હતો. T20 ઇન્ટરનેશનલમાં સેમસને અત્યાર સુધી 76 મેચમાં 1,719 રન બનાવ્યા છે. તેના નામે 3 સદી અને 10 અડધી સદી પણ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આક્રમક ઇનિંગે ફરી બતાવ્યું કે સેમસન સારી શરૂઆત મળે ત્યારે ઝડપથી રન બનાવી શકે છે. 

ભારતે પણ પૂરા કર્યા T20Iમાં 2,000 છગ્ગા

સેમસનની વ્યક્તિગત સિદ્ધિની સાથે ભારતીય ટીમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000 છગ્ગા પૂરા કરનારી ભારત બીજી ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ત્રીજી ઓવર દરમિયાન રોસ્ટન ચેઝના બોલ પર લોંગ-ઓફ તરફ છગ્ગો ફટકારીને સેમસને ભારતનો 2,000મો T20I છગ્ગો નોંધાવ્યો હતો. ભારતે આ આંકડો 297 મેચમાં હાંસલ કર્યો હતો. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ સ્થાને છે. તેણે 259 મેચમાં 2,026 છગ્ગા ફટકાર્યા છે. ન્યૂઝીલેન્ડ 1,585 છગ્ગા સાથે ત્રીજા, પાકિસ્તાન 1,507 સાથે ચોથા અને દક્ષિણ આફ્રિકા 1,407 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે. 

ભારતની હાર છતાં સેમસનની સિદ્ધિ ચર્ચામાં

વેસ્ટ ઈન્ડિઝે પહેલાં બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા હતા. કેપ્ટન શાઈ હોપે અણનમ 102 રન ફટકાર્યા હતા. ભારતને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને ભારતને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલર્સ સામે ભારતીય ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી. આમ, ભારત મેચ હારી ગયું હોવા છતાં સેમસનની વ્યક્તિગત સિદ્ધિ અને ટીમના 2,000 છગ્ગાનો આંકડો મેચની મહત્વની ચર્ચા બની રહ્યા હતા.

આ પણ વાંચો: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રને હરાવ્યું, શાઈ હોપની સદી અને કીમો પૉલની 5 વિકેટથી શ્રેણી 2-2થી બરાબર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *