રાજકોટ મનપામાં દેશની સૌપ્રથમ સોફ્ટવેર મોનિટરિંગ સિસ્ટમ:પ્રોજેકટનો રોજેરોજનો પ્રોગ્રેસ રિપોર્ટ આંગળીનાં ટેરવે મળશે, મટીરીયલની ગુણવત્તા અને કર્મચારીઓની હાજરી સહિતની બાબતો પર બાજનજર રહેશે

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મહાપાલિકા દ્વારા દેશની સૌપ્રથમ સોફ્ટવેર મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવનાર છે. PMU (પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ) નામની આ સિસ્ટમ દ્વારા શહેરમાં ચાલતા વિવિધ માળખાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને ગુણવત્તાયુક્ત બનશે. PMU દ્વારા રાજકોટમાં ચાલતા તમામ પ્રોજેકટનો રોજેરોજનો પ્રોગ્રેસ રિપોર્ટ આંગળીનાં ટેરવે મળી રહેશે. એટલું જ નહીં મટીરીયલની ગુણવત્તા અને કર્મચારીઓની હાજરી સહિતની બાબતો પર પણ આ પ્રોજેકટ દ્વારા કમિશનરની બાજનજર રહેશે. જેના કારણે વિકાસકામો ગુણવાતાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થતાં આર્થિક નુકસાન ઘટશે. PMUથી રાજકોટને ટેકનોલોજી ક્ષેત્રે એક નવી ઓળખ મળશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવનાર છે. આ પૂર્વે દિવ્યભાસ્કરે મ્યુ. કમિશનર તુષાર સુમેરા સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી. મનપા કમિશનર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ નામનો ખાસ પ્રોજેકટ દેશમાં સૌપ્રથમ રાજકોટ મનપા દ્વારા અમલમાં મુકાનાર છે. ત્યારે આ પાયલટ પ્રોજેક્ટ ટેકનોલોજી ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકાની એક આગવી ઓળખ બની રહેશે. હાલમાં આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે કાર્યરત કરી દેવામાં આવી છે અને તેમાં ઉત્તમ સફળતા મળ્યા બાદ હવે ટૂંક સમયમાં આ અત્યાધુનિક ટેકનોલોજી સિસ્ટમ સત્તાવાર લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટ સિટી મિશન, ફ્લાયઓવર બ્રિજ, અમૃત યોજના, ડ્રેનેજ સિસ્ટમ અને આવાસ યોજનાઓ જેવા મોટા પ્રોજેક્ટ્સનું ચોક્કસ આયોજન અને સમયસર મોનિટરિંગ કરવા માટે આ પ્રોજેકટ ખૂબ મહત્વનો બની રહેશે. વિકાસ કામોને સમયસર પૂર્ણ કરવામાં મદદ મળી રહેશે
પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના અમલથી મહાનગરપાલિકા અને શહેરના વિકાસ કાર્યોને અનેક મોટા ફાયદાઓ થશે. અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ચાલતા પ્રોજેક્ટ્સ નિયત સમયમર્યાદામાં પૂરા નહીં થવાને કારણે મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું, જે હવે આધુનિક સોફ્ટવેર બેઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમને કારણે સંપૂર્ણપણે અટકશે. સરકારી નાણાંનો વ્યય થતો અટકશે, પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે અને કામની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા જળવાઈ રહેશે. આ ઉપરાંત, વોટર વર્ક્સ, ટાઉન પ્લાનિંગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા અલગ-અલગ વિભાગો વચ્ચે ઉત્તમ સુમેળ થવાથી પ્રોજેક્ટ્સમાં થતો બિનજરૂરી વિલંબ પણ નિવારી શકાશે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની મંજૂરી મેળવવામાં આવી હતી. આ યુનિટ દ્વારા આધુનિક સોફ્ટવેર અને ટાસ્ક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને તમામ સરકારી ગ્રાન્ટ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના માઈલસ્ટોન ટ્રેક કરવામાં આવે છે. હાલ આ યુનિટ અંતર્ગત આઠ ટેકનિકલ નિષ્ણાતોનો સ્ટાફ કાર્યરત છે, જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, અર્બન મેનેજર અને ટેકનિકલ સપોર્ટ સ્ટાફ જેવા વિવિધ વિષય નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જે પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને તેના વાસ્તવિક અમલીકરણ ઉપર સીધી નજર રાખશે. પ્રોજેક્ટની કામગીરી સમયસર થાય છે કે નહીં તેનો ડે ટુ ડે રિપોર્ટ મળશે
આ સોફ્ટવેર બેઝ્ડ મોનિટરીંગ સિસ્ટમની કાર્યપદ્ધતિ સમજાવતા કમિશનરે ઉમેર્યું હતું કે, જે કોઈ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂરા કરવાના હશે તેમાં રોજેરોજના સિમેન્ટ, રેતી, સ્ટીલ, લોખંડ જેવા રો મટીરિયલ અને દૈનિક કેટલા મજૂરો કામ કરશે તેનો DPR એટલે કે ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ સિસ્ટમની વિશેષતા છે કે, જે પ્રોજેક્ટ ચાલુ હશે એ પ્રોજેક્ટના રોજેરોજના કામના અપડેટ્સ સાથે દરેક પ્રોજેક્ટનું રેંકિંગ પણ આ સોફ્ટવેર બેઝ્ડ મોનિટરીંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સાથે તેમાં કોઈ ગેરરીતિ થાય નહીં અને કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિજિલન્સ ટીમ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવશે. સિસ્ટમની મદદથી અધિકારીઓની કામગીરી પર પણ નજર રાખી શકાશે
અધિકારીઓની કામગીરી પર નજર રાખવા અંગે કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારી ગતિમાં રહેલા પ્રોજેક્ટની સરપ્રાઈઝ વિઝીટ લેવાના હોય ત્યારે જે-તે ઝોનના ડે. કમિશનરથી લઈ ઝોનલ ઓફિસર સુધીના અધિકારીના મોબાઈલમાં લોકેશન શેર થશે. આ લોકેશન મૂળ પ્રોજેક્ટ સ્થળનું નહીં હોય, પણ માત્ર 200 મીટર અંતર સુધીનું જ હશે. અધિકારીઓ જ્યારે વાસ્તવિક પ્રોજેક્ટ સ્થળ ઉપર પહોંચશે ત્યારે જ તેઓને સાચું લોકેશન જાણવા મળશે, જેથી કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારીની ભાવના જળવાઈ રહેશે. દશેરા આસપાસ સિસ્ટમનું લોન્ચિંગ થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, કમિશનર તુષાર સુમેરા દ્વારા PMUનું સત્તાવાર લોન્ચિંગ દશેરા આસપાસ કરવામાં આવે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ પૂર્વે દિવ્યભાસ્કર આ યુનિટમાં રૂબરૂ પહોંચ્યું હતું અને ડે. કમિશનર સમીર ધડુક પાસેથી આ યુનિટ કેવી રીતે કામ કરશે અને તેનાથી વિકાસકામો ઉપર કેવી રીતે દેખરેખ રાખી શકાશે તેનો લાઈવ ડેમો પણ નિહાળ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, કોઈપણ પ્રોજેકટમાં બધું બરાબર હોય તો ગ્રીન ટિક આવે છે અને કંઈપણ ભૂલ હોય તો રેડ ટિક બતાવે છે. તેમજ શેડ્યુલ કરતા કામ આગળ ચાલે છે કે પાછળ તે સહિતની તમામ વિગત આંગળીનાં ટેરવે મળી રહે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *