'ઘરનું બારણું ખોલું ને મમ્મી-પપ્પાની યાદ આવે':અમદાવાદ પ્લેન ક્રેશના પીડિત પુત્રની આંખ ભીની કરતી કહાની, બ્રિટિશ નાગરિક મિતેન પટેલનો UKના વડાપ્રધાનને ઓપન લેટર

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

ઘરનું બારણું ખોલું અને એવું યાદ આવે કે મારા પપ્પા અહીં ટીવીમાં ન્યૂઝ જોતા હોય, મમ્મી કિચનમાં હોય. આ બધું હવે નથી. અંદરથી હું જે અનુભવું છું તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હવે મમ્મી-પપ્પા વગરની જિંદગી જીવવી પડે છે. મારા મમ્મી-પપ્પા જ મારા માટે બધું હતા. જો પ્લેન ક્રેશ ન થયું હોત તો આજે મારી જે જિંદગી છે તેના કરતાં કંઇક અલગ જિંદગી હોત. જે માતા-પિતા અમને ગાઇડન્સ આપતા હતા, સપોર્ટ કરતા હતા એ હવે નથી રહ્યાં. બધી જવાબદારી મારા પર આવી ગઇ છે. કોઇ પથ્થરદિલ માણસની આંખોમાં પણ આંસુ લાવી દે તેવા આ શબ્દો છે ગુજરાતી મૂળના મિતેન પટેલના. મિતેન બ્રિટિશ નાગરિક છે અને વર્ષોથી રહે છે લંડનમાં. ગયા વર્ષે 12મી જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મિતેને પિતા અશોકભાઇ અને માતા શોભનાબેનને ગુમાવ્યા હતા. જ્યારે શોભનાબેનનો મૃતદેહ UK પહોંચ્યો તેના 3 દિવસ પછી ખબર પડી હતી કે તેમના મૃતદેહની સાથે વિમાન દુર્ઘટનાના બીજા કોઇ મૃતકના અંગો પણ હતા. વિમાન દુર્ઘટનાને 16 મહિના જેટલો સમય વિતી ગયા છતાં હજુ કોઇ સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું. તેવામાં મિતેન પટેલે UKના વડાપ્રધાનને ઓપન લેટર લખીને પ્લેન ક્રેશની તપાસમાં UKની એજન્સીને જોડવામાં આવે તેવી માગ કરી છે. દિવ્ય ભાસ્કરે મિતેન સાથે વાતચીત કરીને તેની વ્યથા જાણી હતી. ‘ક્રિયા કર્મ પછી કહ્યું મમ્મીના અમૂક પાર્ટસ મિસિંગ હતા’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરવાનું શરૂ કરતાં જ મિતેન પટેલ ભાવુક થઇ ગયા પણ પછી તરત જ સ્વસ્થ થઇને તેમણે પોતાની વાત રજૂ કરી. માતા-પિતાના મૃત્યુ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, મારો આખો પરિવાર અહીંયા UKમાં જ હતો. હવે મમ્મી-ડેડી વગર બધું સંભાળવું પડશે. છેલ્લા 15 મહિનાઓથી એ લોકો વગર બહુ મુશ્કેલી પડી રહી છે. અમારી આખી જિંદગી બરબાદ થઇ ગઇ છે તેમ કહીએ તો પણ ચાલે. અમે તો ક્રિયા કર્મ પણ કરી દીધા છે. એ પછી મને કહેવાયું કે તમારા મમ્મીના અમૂક પાર્ટસ મિસિંગ હતા. જેથી મારા મગજમાં એ જ ચાલે છે કે મમ્મીના આ પાર્ટસ મિસિંગ કેમ છે. મિતેનના મમ્મીના મૃતદેહ સાથે જે બીજા મૃતકના અવશેષો ભેગા થઇ ગયા હતા તેની ઓળખ થઇ ગઇ છે. જો કે આ ઓળખ કરવામાં 1 વર્ષ કરતાં વધુ સમય લાગ્યો. આ અંગે સવાલ ઉઠાવતાં મિતેને કહ્યું, આમાં એક વર્ષ કરતાં વધુ સમય કેમ લાગ્યો તેની કોઇને ખબર નથી. જેના અવશેષો અહીં છે તેમના પરિવારને એવું હશે કે અમે તો ક્રિયા કર્મ કરી દીધા છે પણ એવું નથી. હવે એ લોકો ઉપર શું વિતતી હશે? ***
પિતાની ઇચ્છા પૂરી કરવા પુત્ર ગુજરાત આવ્યો
વર્ષો પહેલાં મિતેને તેના પિતાને પૂછ્યું હતું કે તમને કંઇ થઇ જાયો તો અમે શું કરીએ? ત્યારે તેમણે મિતેનને કહ્યું હતું કે ચાણોદમાં નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરજે એટલે ગયા સપ્ટેમ્બરમાં મિતેને તેના પિતાના અસ્થિ વિસર્જન ચાણોદમાં કર્યા હતા. પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે ભારતમાં ચાલતી તપાસ વિશે તેમણે કહ્યું, જ્યારે દુર્ઘટનાને એક વર્ષ પૂરૂં થયું હતું ત્યારે અમને બધાને એવું હતું કે ભારત સરકાર રિપોર્ટ નહીં તો છેવટે થોડી માહિતી તો આપશે જ પણ તેના બદલે ફક્ત એક નાનકડો પેરેગ્રાફ મળ્યો. ભારત સરકાર હજુ તો માહિતી એકઠી કરે છે, હજી ફાઇનલ રિપોર્ટ નહીં આવે. આ તપાસમાં બહુ પારદર્શકતા નથી. માતાના મૃતદેહ સાથે બીજાના અંગો અને પ્લેન ક્રેશની તપાસ મામલે મિતેને UKમાં અને ભારતમાં ઘણીવાર રજૂઆત કરી હતી પણ તેને કોઇ જવાબ નથી મળ્યો. મિતેને ભારતના PMO ગ્રીવન્સ પોર્ટલમાં પણ ફરિયાદ કરી હતી પણ કોઇ જવાબ આપ્યા વગર ફરિયાદ ક્લોઝ કરી દેવાઇ. આ અંગે તેણે જણાવ્યું કે, મેં મદદ માટે પોર્ટલમાં ફરિયાદ કરી કે અમારી સાથે આવી રીતે બધું થયું છે, મારા પપ્પા તો નરેન્દ્ર મોદીના સપોર્ટર હતા. આ ફરિયાદના 15 દિવસ સુધી કોઇ જવાબ ન આવ્યો એટલે મેં ચેક કર્યું તો એ લોકોએ મારી ફરિયાદ ક્લોઝ કરી દીધી હતી. આવું કેમ કર્યું એ મને ખબર નથી. ***
ન ભારત તરફથી જવાબ મળ્યો, ન બ્રિટને મદદ કરી
મિતેને UK, ભારત સરકાર અને એવિએશન કંપનીઓ તરફી કોઇ જવાબ ન મળતો હોવાનો પણ વસવસો વ્યક્ત કર્યો અને કહ્યું, અત્યારસુધીમાં મેં બીજા વિક્ટીમ ફેમિલી સાથે પણ વાત કરી કે તમારો શું અનુભવ રહ્યો તો તેમણે પણ એવું કહ્યું કે UK કે ભારત તરફથી કોઇ જવાબ નથી મળતો. બોઇંગ, એર ઇન્ડિયા જેવી એજન્સીઓને પણ પૂછ્યું પણ કોઇ જવાબ નથી આપતું. બ્રિટિશ સિટીઝન તરીકે ભારત સરકારે અમને જે સપોર્ટ કરવો જોઇએ તે નથી કર્યો. અમે UKની પહેલાંની સરકારને પણ પૂછ્યું હતું કે તમે મદદ કરો પણ કોઇ જવાબ નથી મળ્યો. “મારા મમ્મીની શબ પેટીમાં બીજાના અવશેષો હતા. સિટી સ્કેનમાં 2 હાડકાં મળ્યાં હતા. આ અંગે મારે ઘણું પૂછવાનું છે પણ સરખો જવાબ નથી મળતો. જે 2 મૃતકોના અવશેષો ભેગા થઇ ગયા હતા તેનું ભારતમાં પહેલેથી સિટી સ્કેન કરવું જોઇએ ને? તે નથી કર્યું.” આટઆટલી રજૂઆતો છતાં કોઇ જવાબ ન મળતાં છેવટે મિતેન અને બીજા પરિવારોએ એકઠા થઇને UKના વડાપ્રધાન એન્ડી બર્નહેમને ઓપન લેટર લખ્યો છે. જેમાં તેણે મુખ્ય 5 માગણીઓ કરી છે. આ માગણીઓ કઇ-કઇ છે તે નીચેના ગ્રાફિક્સમાં જાણો. મિતેને આ માગણીઓ પાછળના કારણ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, અમારી માગ એ છે કે UKની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચને આ તપાસમાં સામેલ કરવામાં આવે કેમ કે અમને હજુ સુધી કોઇ અપડેટ અપાઇ નથી. મારા મમ્મીના અવશેષો સાથે જે બીજા મૃતદેહના અવશેષો ભેગા થઇ ગયા હતા એટલે તેની પણ તપાસ કરવી જોઇએ. અહીંયાના જે પરિવારો છે તેમને પણ શંકા છે કે અમે જે અંતિમ વિધિ કરી છે તે અમારા સ્વજન જ હતા કે બીજું કોઇ હતું. સુરક્ષાના નિયમોના એકસરખા માળખાની માગ પાછળનું કારણ જણાવતા તેણે કહ્યું, UKની સિવિલ એવિએશન ઓથોરિટીની એક સેફ્ટી નોટિસ મળી હતી. જે 2015ની હતી. જેમાં બોઇંગ 787 પણ સામેલ છે. પ્લેન ક્રેશ થયું તેના થોડા દિવસો પહેલાં એટલે કે 15મી મેએ એ નોટિસને રિ-ઇશ્યૂ કરાઇ હતી. આમાં જે નિયમો હતા તે UKમાં ફરજિયાત હતા પણ ભારતમાં તેને એડવાઇઝરી તરીકે ગણાવાયા હતા. જે સુરક્ષાના નિયમો માટે બેવડા ધોરણ છે. અહીંયા UKથી જે પ્લેન ઉપડે તેના માટે જે નિયમો ફરજિયાત પણ ભારતમાં તે નિયમો ફરજિયાત નથી હોતા. એ ખોટી વસ્તુ છે. ગ્લોબલ એવિએશન માટે ગ્લોબલી કોમ્યુનિકેશન થવું જોઇએ. જે નિયમો એક દેશ માટે ફરજિયાત હોય તે નિયમો બીજા દેશ માટે પણ ફરજિયાત હોવા જોઇએ. “UK સરકારે એક-એક પરિવારને મદદ માટે પોલીસ ઓફિસર આપ્યા હતા. અમને એવું કહ્યું હતું કે આ પોલીસ ઓફિસર આખી તપાસ પૂર્ણ થશે ત્યાં સુધી તમારી સાથે રહેશે પણ ઓગસ્ટમાં તેમને હટાવી દીધા અને એવું કહ્યું કે તમારે જ્યારે જોઇશે ત્યારે સપોર્ટ કરીશું. આ વસ્તુ ખોટી છે. પહેલાં અમને કહ્યું કે અમે તમારી સાથે છીએ અને પછી જતાં રહ્યાં.” વિમાન દુર્ઘટના સ્થળે મેમોરિયલ બનાવવાની માગ પણ આ ઓપન લેટરમાં કરાઇ છે. આ માગ અંગે મિતેને કહ્યું, મેં સમાચારમાં વાંચ્યું હતું કે ગુજરાત સરકાર પ્લેન ક્રેશ સાઇટ પર નવી હોસ્ટેલ બનાવશે પણ ત્યાં મૃતકોની યાદમાં મેમોરિયલ બનશે તેવું નથી લખ્યું. 9/11 જેવા હુમલામાં પણ મેમોરિયલ બનાવાયું છે. તો ગુજરાતમાં કેમ નહીં. જે લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું નામ હોય. તેના પરિવારને એ સાઇટની મુલાકાત લઇને જોવું હોય તો તે જોઇ શકે કે આ જગ્યાએ મારા સગાએ અંતિમ શ્વાસ લીધા હતા. પણ સરકારે આવું વિચાર્યું નથી. હોસ્ટેલ બનાવવા માટે ફટાક દઇને 105 કરોડ રૂપિયા આપી દીધા પણ અમારા માટે થોડીક તો જગ્યા રાખો. ***
હવે સરકારના જવાબની રાહ
તેમને દાવો છે કે, હવે અમે 23 બ્રિટિશ ફેમિલી, 10 ઇન્ડિયન ફેમિલી ભેગા થયા છીએ. કેપ્ટન સભરવાલના પિતાનો પણ અમને સપોર્ટ મળ્યો છે. અમે બધા એક સાથે આવ્યા છીએ એટલે સરકારે કોઇને એક-એક કરીને જવાબ પણ નથી આપવાનો. હાલમાં મિતેન અને બીજા પીડિત પરિવારો UKના વડાપ્રધાન તરફથી કોઇ જવાબ આપે તેની રાહ જોઇ રહ્યા છે. જો કોઇ જવાબ નહીં આવે તો ફરીથી બધા પરિવારો એકઠા થશે અને આગળ શું કરવું તે નક્કી કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *