અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા એસ.જી. હાઈવે (S.G. Highway) પર દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યાનો આખરે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. ઈસ્કોન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી બનાવવામાં આવેલો 4 કિલોમીટર લાંબો સિક્સ-લેન (Six-lane) ફ્લાયઓવર બ્રિજ દિવાળીના તહેવાર સુધીમાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરી કરીને આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો છે.
રૂ. 530 કરોડના ખર્ચે નિર્માણ
કુલ 530 કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ 4 કિલોમીટર લાંબા બ્રિજના કારણે દરરોજ એસ.જી. હાઈવે પરથી પસાર થતાં આશરે 2.5 લાખથી વધુ વાહનચાલકોનો કિંમતી સમય અને બળતણ બચશે. આ બ્રિજ ચાલુ થવાથી ખાસ કરીને પ્રહલાદનગર સર્કલ, વસ્ત્રાપુર અને કર્ણાવતી ક્લબ આસપાસના વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિકની બોટલનેક અને ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે અને વાહનો સીધા સ્પીડમાં પસાર થઈ શકશે.
પે એન્ડ પાર્કિંગ અને આધુનિક સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ
આ બ્રિજ માત્ર વાહનોની અવરજવર માટે જ નહીં પરંતુ સ્માર્ટ સિટી મેનેજમેન્ટ માટે પણ એક ઉદાહરણ બનશે. ફ્લાયઓવર બ્રિજની નીચે રહેલી જગ્યાનો સદુપયોગ કરીને નાગરિકો માટે પે એન્ડ પાર્કિંગ (Pay and Parking) ની ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર બ્રિજ પર સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે હાઈ-ટેક CCTV કેમેરા અને આધુનિક મોનિટરિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે, જેથી સમગ્ર હાઈવે પર થતી દરેક પ્રવૃત્તિ પર કંટ્રોલ રૂમથી નજર રાખી શકાશે.
આ પણ વાંચો : Kheda News: 500 બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખેલ! શાળા પચાવી પાડનારા આતંકી તત્વો સામે ક્યારે થશે કડક કાર્યવાહી?
