મહેસાણા શહેરના વિસનગર રોડ પર શિવાય વાટિકા ગેટ સામે પૂરઝડપે આવતી આઈ-10 કારના ચાલકે કાબૂ ગુમાવી બે સીએનજી રિક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર દુર્ઘટનામાં રિક્ષામાં બેઠેલાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી કારચાલક વાહન છોડી ફરાર થઈ જતાં મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિક્ષામાં બેસતી વખતે અકસ્માત
મહેસાણાના સાકરડ્રીમ સિટી, ગૌરવ ટાઉનશીપમાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત અશ્વિનકુમાર સાધુ અને તેમનાં પત્ની સુમિત્રાબેન જૂના ઘરે જવા નીકળ્યા હતા. શિવાય વાટિકા ગેટ પાસે તેઓ રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે એક સીએનજી રિક્ષા (GJ 02 TT 6187) આવતાં તેમણે રોકી હતી. સુમિત્રાબેન અંદર બેસી ગયા બાદ અશ્વિનકુમાર બેસવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. કારે એક બાદ બીજી રિક્ષાને અડફેટે લીધી
વિસનગર તરફથી આવતી સફેદ આઈ-10 કાર (GJ 01 RX 1231)ના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી આગળ જતી એક રિક્ષા (GJ 02 BU 7773)ને પાછળથી ટક્કર મારી હતી, જેથી તે રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈને ટાયર ફાટી ગયું હતું. ત્યારબાદ કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, કાર દંપતી જે રિક્ષામાં બેસતું હતું, તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. વૃદ્ધાનું મોત અને કારચાલક ફરાર
ટક્કરથી રિક્ષા પલટી મારી જતાં સુમિત્રાબેનને માથા તથા મોંના ભાગે અતિ ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અશ્વિનકુમાર અને રિક્ષાચાલક પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર અને પોલીસ તપાસ
આસપાસના લોકોએ 108 મારફતે ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ સુમિત્રાબેનને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્ત અશ્વિનકુમારને લાયન્સ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા અપાઈ છે. આ મામલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર રોડ પર કારે બે રિક્ષાને ટક્કર મારી, વૃદ્ધાનું મોત:મૃતકના પતિ અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ફરાર
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
