વડોદરા શહેરમાં વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી સઘન ઝુંબેશ દરમિયાન મોટી સફળતા મળી છે. શહેરમાંથી સતત બાઇકની ચોરી કરતા ભરૂચના એક સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી છે. આ ચોરની ધરપકડ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી થયેલી બાઇક ચોરીના કુલ 13 જેટલા ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલી નાખ્યો છે.
આર્થિક સ્થિતિ સુધારવા ચોરીના રવાડે ચડ્યો
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી રાકેશ દરજી ભરૂચ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પોતાની નબળી આર્થિક સ્થિતિ સુધારવા અને ઝડપથી પૈસા કમાવા માટે તે છેલ્લા 1 વર્ષથી બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી દરરોજ ભરૂચથી ટ્રેન મારફતે વડોદરા આવતો હતો અને ખાસ કરીને સયાજીગંજ વિસ્તારને જ પોતાનો ટાર્ગેટ બનાવતો હતો.

CCTV વગરના પાર્કિંગ શોધી ચોરી કરતો
આરોપી રાકેશ દરજી અત્યંત શાતિર દિમાગ ધરાવતો હતો. તે સયાજીગંજ વિસ્તારમાં એવા સ્થળોની રેકી કરતો જ્યાં CCTV કેમેરા ન હોય. ત્યારબાદ નજરે પડેલા બાઇકના લોક તોડીને ચોરી કરી ફરાર થઈ જતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ગયેલી કુલ 13 મોટરસાઇકલ કબ્જે કરી છે અને આરોપી સામે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
