Sikandar Raza: વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ, WTCમાં રમવાની તક મળે તો પણ નહીં બદલે નિર્ણય

📅 Published: October 15, 2026 | 📂 Category: cricket

ઝિમ્બાબ્વેના અનુભવી ઓલરાઉન્ડર અને વનડે તથા T20 ટીમના કેપ્ટન સિકંદર રઝાએ પોતાની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. 40 વર્ષના રઝાએ સ્પષ્ટ કર્યું છે કે તે 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા માગે છે. ખાસ વાત એ છે કે આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે. એટલે રઝાને પોતાના જ દેશમાં વર્લ્ડ કપ રમવાની તક મળશે. રઝાએ કહ્યું કે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં દેશની ધરતી પર વર્લ્ડ કપ રમવો તેમના માટે આશીર્વાદ સમાન છે. દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે વર્લ્ડ કપ રમીને પોતાની કારકિર્દી પૂરી કરે. રઝા માટે 2027નો વર્લ્ડ કપ આ સપનું પૂરું કરવાની ખાસ તક બની શકે છે.

WTCમાં તક મળે તો પણ નિર્ણય નહીં બદલે

ઝિમ્બાબ્વેને 2027થી 2030ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં સામેલ કરવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જો આવું થાય તો ઝિમ્બાબ્વેને ટેસ્ટ ક્રિકેટમાં વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાની તક મળી શકે છે. જોકે, રઝાએ સ્પષ્ટ કર્યું છે કે આ સંભાવના તેના નિવૃત્તિના નિર્ણયને અસર નહીં કરે. તેણે કહ્યું, “શું હું આ નિર્ણય બદલવા માટે લલચાઈશ નહી. મેં જીવનમાં લીધેલા નિર્ણયો સાથે સમાધાન કરી લીધું છે. સમય આવે ત્યારે નિવૃત્તિ પાછી ખેંચીને ફરી રમવા લાગું એવો હું વ્યક્તિ નથી. આવું નહીં થાય.” રઝાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેણે પોતાની કારકિર્દીના અંત માટે 2027ના વર્લ્ડ કપને અંતિમ પડાવ તરીકે પસંદ કર્યો છે.

WTCથી ઝિમ્બાબ્વે ક્રિકેટને મોટો ફાયદો થશે

નિવૃત્તિનો નિર્ણય ન બદલવાની વાત સાથે રઝાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઝિમ્બાબ્વેને તક મળે તો તેનું સમર્થન પણ કર્યું હતું. તેના મતે, WTCમાં રમવાથી દેશના ક્રિકેટનો ઝડપથી વિકાસ થઈ શકે છે અને માત્ર ટેસ્ટ જ નહીં, અન્ય ફોર્મેટમાં પણ ટીમનું પ્રદર્શન સુધરી શકે છે. રઝાએ પોતાના ક્રિકેટિંગ વિકાસમાં ટેસ્ટ ક્રિકેટના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના મતે, ટેસ્ટ ક્રિકેટમાં રમવાથી ખેલાડીની રમત સમજવાની ક્ષમતા અને અનુભવ વધે છે. તેથી ઝિમ્બાબ્વેને આ સ્પર્ધામાં તક મળે તો યુવા ખેલાડીઓ માટે પણ તે ફાયદાકારક રહેશે.

2027ના વર્લ્ડ કપમાં ઘરઆંગણે રમવાની તક

2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા મળીને યોજશે. પોતાના દેશમાં વર્લ્ડ કપ રમવાની તક રઝા માટે ભાવનાત્મક રીતે ખાસ છે. જોકે, તેણે સ્વીકાર્યું હતું કે ICCની સ્પર્ધામાં યજમાન દેશોને ઘરઆંગણાનો ફાયદો મેળવવો સરળ નથી, કારણ કે મેદાન અને અન્ય વ્યવસ્થાઓ પર ICCનું નિયંત્રણ હોય છે. ઝિમ્બાબ્વેમાં વિક્ટોરિયા ફોલ્સ ખાતે નવું મોસી-ઓઆ-તુન્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ તૈયાર થઈ રહ્યું છે. રઝાએ આ સ્ટેડિયમ શરૂ થવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. 24 ઓક્ટોબર, 2027ના રોજ ભારત સામે ઝિમ્બાબ્વેની મેચ આ નવા મેદાન પર યોજાવાની છે.

યુવા ખેલાડીઓ પર પણ રાખ્યો વિશ્વાસ

રઝાએ ઝિમ્બાબ્વેના ભવિષ્ય અંગે વાત કરતાં બેટર બ્રાયન બેનેટ અને બોલર ન્યૂમન ન્યામહુરીનાં નામ લીધાં હતાં. તેના મતે, વર્તમાન સિનિયર ખેલાડીઓ નિવૃત્ત થયા બાદ પણ આ બંને ખેલાડીઓ ઝિમ્બાબ્વે ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રઝાની નિવૃત્તિ બાદ ઝિમ્બાબ્વેની ટીમમાં મોટો ફેરફાર આવશે, પરંતુ 2027નો વર્લ્ડ કપ તેને પોતાના દેશના ચાહકો સામે યાદગાર વિદાય લેવાની તક આપશે. હવે જોવાનું રહેશે કે તે પોતાની છેલ્લી મોટી સ્પર્ધામાં ટીમને કેટલી સફળતા અપાવી શકે છે.

આ પણ વાંચો: IND VS WI: ‘15-20 રનનો ફરક પડી શક્યો હોત’, ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર અશ્વિનનો સવાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *