દિવ્ય ભાસ્કર સાથે સિંગર ધ્વનિ પરીખની ખાસ વાતચીત:કહ્યું-સુરતીઓનો પ્રેમ જ મારી અસલી ઊર્જા, આખી રાત ગરબે ઘૂમવા સક્ષમ; બીજા રાઉન્ડમાં જુસ્સો ઘટવાના બદલે વધે છે

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ભવ્ય નવરાત્રી મહોત્સવમાં પોતાના મધુર અવાજથી ખેલૈયાઓને ડોલાવતી ગાયિકા ધ્વનિ પરીખની સાથે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ધ્વનિ પરીખ હાલ પોતાની ગાયકીની સાથે પોતાના લુક માટે પણ ફેમસ થઈ રહી છે. પોતાની સંગીતયાત્રા, સુરતના ખેલૈયાઓની એનર્જી, મંચ પર આવતાં જ મનમાં ઉઠતા વિચારો અને સુરતી સ્વાદ વિશે તેમણે દિલ ખોલીને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સવાલ: સુરતની નવરાત્રીમાં પર્ફોર્મ કરવાનો અનુભવ કેવો રહ્યો? અહીંનું વાતાવરણ કેવું છે? જવાબ: નવરાત્રીમાં પર્ફોર્મન્સનું મારું આ ત્રીજું વર્ષ છે. જ્યારે પણ હું અહીં સ્ટેજ પર આવું છું ત્યારે એક અલગ જ અનુભવ થાય છે. અહીંની વાઇબ્સ અને લોકોની એનર્જી એટલી જબરદસ્ત હોય છે કે અમને પણ પૂરા જોશ સાથે ગાવાનું મન થઈ જાય છે. સ્ટેજ, સાઉન્ડ સેટઅપ અને ઓડિયન્સ વચ્ચેનો આ તાલમેલ અદ્ભુત છે. સવાલ: દેશ-વિદેશમાં કાર્યક્રમો કર્યા પછી પણ સુરતની નવરાત્રી શા માટે આટલી ખાસ લાગે છે? જવાબ: તેનું સૌથી મોટું કારણ સુરતના લોકો છે. સુરતીઓ જે પ્રેમ આપે છે તે અજોડ છે. હું પોતે પણ સુરતની જ વતની હોવાથી સુરતીઓ માટે પક્ષપાતી જરૂર રહીશ. મારા માટે સુરત હંમેશાં બેસ્ટ રહ્યું છે. સવાલ: શેરી ગરબાથી શરૂ કરીને ભવ્ય ડોમ અને બોલિવૂડ સ્ટાઈલ સ્ટેજ સુધીના બદલાવને તમે કેવી રીતે જુઓ છો? જવાબ: પહેલાં શેરી ગરબાનો દોર હતો, પણ હવે ટ્રેન્ડ ઘણો બદલાયો છે. આજના Gen-Z યુવાનોને ફોટોગ્રાફી બહુ ગમે છે, જેના માટે અહીંનું લાઇટિંગ અને ડેકોરેશન બેસ્ટ પ્લેટફોર્મ આપે છે. વધુમાં, અહીંનું સાઉન્ડ સેટઅપ અને ડેકોર સમગ્ર દેશમાં ક્યાંય જોવા ન મળે તેવું ભવ્ય હોય છે. સવાલ: તમારા શબ્દોમાં નવરાત્રીનો અર્થ શું છે? અને કેવા ગીતોની પસંદગી વધુ રહે છે? જવાબ: મારા માટે નવરાત્રી એટલે સાક્ષાત માતાજીની આરાધના. અમારા લિસ્ટમાં મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના રાસ અને માં અંબાના ગરબાનો સમાવેશ થાય છે. સુરતીઓને તમે જે પણ સારું અને ઉત્સાહી સંભળાવો, તેના પર તેઓ મન મૂકીને ઝૂમી ઊઠે છે. સવાલ: સ્ટેજ પર પગ મૂકતાં જ મનમાં પહેલો વિચાર કયો આવે છે? જવાબ: સ્ટેજ પર આવતાં જ પહેલો વિચાર એ જ આવે છે કે આજે મારું બેસ્ટ પર્ફોર્મન્સ આપવું છે અને સામે ઉપસ્થિત તમામ ઓડિયન્સને ગરબાની ધૂન પર મન ભરીને નચાવવા છે. સવાલ: આટલી એનર્જી જાળવી રાખવા માટે કોઈ ખાસ ડાયેટ પ્લાન અનુસરો છો? સુરતી ખાણીપીણીમાં શું પસંદ છે? જવાબ: સુરતી હોઉં એટલે કોઈ ડાયેટ પ્લાન શક્ય જ નથી! ખેલૈયાઓનો પ્રેમ જ મારી અસલી ઊર્જા છે. ખાણીપીણીની વાત કરીએ તો ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ પ્રખ્યાત છે. સુરત બહારથી આવતા લોકોએ અહીંના રસાવાળા ખમણ, લોચો અને મસાલા સમોસા અચૂક ટેસ્ટ કરવા જોઈએ. સવાલ: સંગીતની તાલીમમાં પિતા અને પરિવારનો સહયોગ કેવો રહ્યો છે? જવાબ: હું મારા પિતા પાસેથી ધીરજ અને નિયમિત રિયાઝ કરવાની કળા શીખી છું. નિયમિત રિયાઝ વગર સારું ગાવું શક્ય નથી. આજે હું જે મુકામે છું તે મારા માતા-પિતાના આશીર્વાદ અને સપોર્ટને આભારી છે. સવાલ: ખેલૈયાઓની એનર્જી અને સમય મર્યાદા વિશે શું કહેશો? જવાબ: પ્રથમ રાઉન્ડ કરતાં બીજા રાઉન્ડમાં સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થઈ જાય છે. જો તેમને છૂટ આપવામાં આવે તો સવારના પાંચ-છ વાગ્યા સુધી પણ તેઓ થાક્યા વગર આખી રાત ગરબે રમી શકે તેવી અખૂટ તાકાત ધરાવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *