સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.જેને પગલે સમાજમાં આ વિષય સતત કેન્દ્રસ્થાને રહ્યો હતો.હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગે સત્તાવાર જાહેરાત થઈ જતાં તમામ ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ મહત્વપૂર્ણ જાહેરાત મોટા વરાછા વિસ્તારમાં આયોજિત કરાયેલા પ્રખ્યાત શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના ભવ્ય મંચ પરથી કરવામાં આવી હતી.
શેરી ઓટલો નવરાત્રી મહોત્સવમાં મોટી જાહેરાત
સુરતમાં બનનારું આ નવું ખોડલધામ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ તરીકે ઓળખાશે અને તે જ નામથી તેનું નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.નવરાત્રિ પર્વના પાવન અવસરે ભક્તિભાવના વાતાવરણમાં આ ઝાંખી રજૂ થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રોજેક્ટના સ્વરૂપ અંગેની ચિત્ર સ્પષ્ટતા થઈ હતી. અન્નપૂર્ણા ખોડલધામ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત સાથે જ આ ભગીરથ કાર્ય પાછળ રહેલા બે મુખ્ય ચહેરાઓ પણ હવે સ્પષ્ટપણે લોકોની સામે આવી ગયા છે.આ ગરબા મહોત્સવ દરમિયાન જાહેર કરાયેલી વિગતો અનુસાર, પાટીદાર સમાજના જાણીતા અગ્રણી મુકેશ પટેલ અન્નપૂર્ણા ખોડલધામ બનાવશે.
અન્નપૂર્ણા ખોડલધામની ઝાંખી પણ રજૂ કરવામાં આવી
ગરબા મહોત્સવના મંચ પરથી અન્નપૂર્ણા ખોડલધામના સ્વપ્ન દ્રષ્ટા તરીકે મુકેશ પટેલના નામની ભવ્ય જાહેરાત કરવામાં આવી હતી.તેમની સાથે જ પાટીદાર સમાજના અન્ય આગેવાન જયંતિ એકલારાનું નામ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.પાટીદાર અગ્રણી તરીકે મુકેશ પટેલ અને જેન્તી એકલારા બંને અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ માટે મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા તરીકે ખુલીને બહાર આવ્યા છે.આ બંને અગ્રણીઓની સક્રિય આગેવાની હેઠળ સમગ્ર મંદિર નિર્માણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.નવરાત્રિ મહોત્સવમાં થયેલી આ ઐતિહાસિક ઘોષણા બાદ પાટીદાર સમાજમાં એકતા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતના પાટીદારોમાં નવી આશા જાગી છે અને ભાવિ આયોજનોને મોટો વેગ મળશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ડિસેમ્બરના અંત સુધીમાં રતનમહાલમાં વાઘ અને કચ્છમાં ચિત્તાનું આગમન થશે
