જો તમે નોકરી કરતા હો, તો આગામી નાણાકીય વર્ષમાં તમારા પગારમાં વધારો થવાની સકારાત્મક ધારણા છે. ભારતમાં નાણાકીય વર્ષ 2026-2027 દરમિયાન કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.1 % નો વધારો થવાનો અંદાજ છે. જોકે, તમામ ક્ષેત્રોમાં આ વૃદ્ધિ એકસરખી રહેશે નહીં; કેટલાક ક્ષેત્રોમાં સરેરાશ કરતા વધુ જ્યારે અન્યમાં ઓછો વધારો જોવા મળી શકે છે. એકબાજુ જયાં ઘરવપરાશની રોજિંદી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તેની સામે પગરમાં વધારો લોકો માટે ફક્ત આશ્વાસન સમાની બની રહી શકે છે.
નોકરીયતોને આગામી વર્ષમાં ફાયદો
વૈશ્વિક વ્યાવસાયિક સેવાઓ કંપની એઓન પીએલસી (Aon PLC) ના વાર્ષિક અહેવાલમાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં ૪૫ ઉદ્યોગોની ૧,૨૦૦ થી વધુ કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કરીને પગાર વધારો, છટણી દર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વધતો ઉપયોગ અને નવા વેતન કોડની અસરો જેવા મહત્ત્વપૂર્ણ તારણો રજૂ કરવામાં આવ્યા છે.
કયા ક્ષેત્રોમાં પગાર સૌથી વધુ વધશે?
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં કેટલાક ક્ષેત્રોમાં સરેરાશ કરતા ઊંચી વેતન વૃદ્ધિ થવાની ધારણા છે.
- એનબીએફસી (NBFC) ક્ષેત્ર: કર્મચારીઓના પગારમાં સરેરાશ 10.1 % નો સૌથી વધુ વધારો અપેક્ષિત છે.
- ઊર્જા ક્ષેત્ર: અહીં પગારમાં 9.9 % સુધીનો વધારો થઈ શકે છે.
- રિયલ એસ્ટેટ ક્ષેત્ર: આ ક્ષેત્રમાં પગાર વૃદ્ધિ 9.8 % રહેવાની અંદાજ છે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર: ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કર્મચારીઓના પગારમાં 9.8% નો વધારો નોંધાઈ શકે છે.
- દેશવ્યાપી સરેરાશ: સમગ્ર દેશમાં સરેરાશ પગાર વધારો 91% રહેવાનો અંદાજ છે.
નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં વધારો
અહેવાલમાં કર્મચારીઓના છટણી અથવા નોકરી છોડવાના દરમાં પણ વધારો નોંધાયો છે. ઉપલબ્ધ માહિતી મુજબ, આ દર ૨૦૨૪માં ૧૭.૧% અને ૨૦૨૫માં ૧૬.૨% હતો, જે વધીને ૨૦૨૬ સુધીમાં ૧૮% સુધી પહોંચવાનો અંદાજ છે.
કંપનીઓમાં AI નો ઝડપી ઉપયોગ અને કૌશલ્ય વિકાસ
કોર્પોરેટ જગતમાં કામકાજ સુધારવા અને ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં ૪૬.૧% કંપનીઓ નિયમિતપણે AI-આધારિત ઉત્પાદકતા સાધનોનો ઉપયોગ કરતી હતી, જે આંકડો 2026 સુધીમાં વધીને 56% થવાનો અંદાજ છે. આ બદલાવ વચ્ચે લગભગ ૬૦% કંપનીઓ કર્મચારીઓના કૌશલ્ય (Upskilling) સુધારવા પર વિશેષ ભાર મૂકી રહી છે. AI, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓ 2025 સુધીમાં 2019ની સરખામણીએ લગભગ 10% વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે.
નવા વેતન કોડની કોર્પોરેટ ખર્ચ પર અસર
સરકારના નવા વેતન સંહિતા (Labor/Wage Codes) ની અમલીકરણ અને તેની ખર્ચ પર થનારી અસરો અંગે સર્વેમાં નીચે મુજબના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 65.4 % કંપનીઓ હાલમાં નવા વેતન સંહિતાની જોગવાઈઓનું પાલન કરી રહી છે. 20.9% કંપનીઓ આગામી છ મહિનામાં તેનું પાલન શરૂ કરવાની અપેક્ષા ધરાવે છે. 42.8 % કંપનીઓ એવું અનુમાન લગાવે છે કે નવા વેતન કોડના કારણે તેમના કુલ પગાર ખર્ચમાં ઓછામાં ઓછો ૧% નો વધારો થઈ શકે છે.
