Smriti Mandhana પાસે વિશ્વની પ્રથમ ખેલાડી બનવાની તક, હવે માત્ર આટલા રન દૂર

📅 Published: October 16, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન સ્મૃતિ મંધાના માટે ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણી ખાસ બની શકે છે. 16 ઓક્ટોબરથી ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં સ્મૃતિ મંધાના પાસે એવો ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક છે, જે અત્યાર સુધી પુરુષ કે મહિલા ક્રિકેટમાં કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

સ્મૃતિ મંધાના રચશે ઇતિહાસ 

સ્મૃતિ મંધાના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન પૂરા કરવાની નજીક પહોંચી ગઈ છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે તેમને માત્ર 133 રનની જરૂર છે. જો તે આગામી શ્રેણીમાં આ લક્ષ્ય હાંસલ કરી લેશે, તો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન બનાવનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનશે.

133 રન બનાવતાં જ રચાશે ઇતિહાસ

સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 179 મેચની 172 ઇનિંગ્સમાં 4,867 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 37 અડધી સદી ફટકારી છે.હવે તેમની નજર 5,000 રનના ઐતિહાસિક આંકડા પર છે. આગામી 3 મેચની શ્રેણીમાં તેમની પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની તક રહેશે. જો તે 133 રન બનાવી લેશે, તો તેમના નામે એક નવો વિશ્વ રેકોર્ડ નોંધાઈ શકે છે.સ્મૃતિની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે. તેમની બેટિંગની સાથે ટીમની કેપ્ટન તરીકેની ભૂમિકા પર પણ ચાહકોની નજર રહેશે.

પુરુષ ક્રિકેટરોને પણ પાછળ છોડ્યા

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સ્મૃતિ મંધાના અનેક જાણીતા પુરુષ ક્રિકેટરો કરતાં આગળ છે. બાબર આઝમ, જોસ બટલર, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના રન પણ આ ફોર્મેટમાં સ્મૃતિના રન કરતાં ઓછા રહ્યા છે.સ્મૃતિએ પોતાની સતત શાનદાર બેટિંગથી મહિલા ક્રિકેટમાં આગવી ઓળખ બનાવી છે. હવે 5,000 રનનો આંકડો પાર કરીને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો માપદંડ સ્થાપિત કરી શકે છે.જોકે, આ સિદ્ધિ માટે તેમને આગામી મેચોમાં સતત સારો દેખાવ કરવો પડશે. 133 રનનો આંકડો નાનો લાગતો હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને હાંસલ કરવા માટે ધીરજ અને શાનદાર બેટિંગ બંને જરૂરી છે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય T20 સીરિઝ

ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે પ્રથમ વખત દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ રહી છે.આ શ્રેણીમાં કુલ 3 મેચ રમાવાની છે. કાર્યક્રમ મુજબ મેચો 16, 18 અને 20 ઓક્ટોબરે રાયપુરમાં યોજાવાની છે.ઝિમ્બાબ્વેની ટીમ વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને આવી રહી છે, જેના કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધેલો હોઈ શકે છે.ટીમની કમાન જોસેફિન નકોમોના હાથમાં છે.T20 શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી પણ રમાવાની છે. આ મુકાબલા 23, 25 અને 28 ઓક્ટોબરે વડોદરામાં યોજાવાના છે.

આ પણ વાંચો – IND vs WI Bengaluru Weather: બેંગલુરુમાં નિર્ણાયક મેચ પર મોટું સંકટ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *