અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા નરોડામાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક શરમજનક અને આંચકાજનક ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં આવેલા સર્જન સ્કાય ફ્લેટમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન માત્ર ખુરશીમાં બેસવા જેવી ક્ષુલ્લક બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં ભારે ઉગ્ર બની ગયો હતો અને પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
બહારથી અસામાજિક તત્વોને બોલાવી હુમલો
ઘટના અંગે મળતી વિગતો મુજબ, તકરાર વધતાં એક પક્ષ દ્વારા બહારથી અસામાજિક અને માથાભારે તત્વોને સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સામેના જૂથ પર આડેધડ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. આ સમગ્ર હિંસક હુમલા અને ધાંધલધમાલની ઘટના સોસાયટીમાં લાગેલા 1 કે 2 નહીં પણ અનેક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
નરોડા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી
આ બનાવ અંગે જાણ થતાં જ નરોડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સોસાયટીના રહીશોની ફિરીયાદ અને ઘટનાના CCTV ફૂટેજના આધારે નરોડા પોલીસે હુમલો કરનારા વિરુદ્ધ રાયોટિંગ (દંગો) અને ગેરકાયદેસર મંડળી રચવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાની સાથે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gandhinagar News : 12 હજારની જાહેરાત સામે માત્ર 800 જગ્યાઓ! GETCO ભરતી મુદ્દે નોકરીવાચ્છુઓ રસ્તા પર
