Banaskanthaના ડીસામાં ફૂડ વિભાગનો મોટો ધડાકો, લાઠીબજારમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયું રૂ. 7.92 લાખનું શંકાસ્પદ ઘી!

📅 Published: October 16, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. ડીસાના ગીચ વિસ્તાર ગણાતા લાઠીબજારમાં આવેલા એક રહેણાંક મકાનમાં શંકાસ્પદ ઘીનું મોટું ગોડાઉન/પેકિંગ એકમ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મસમોટો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

ગૌરસ અને સંયમ બ્રાન્ડનું 1,278 લીટર ઘી સીઝ કરાયું

ડીસા પંથકમાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ ઘી અંગેનો આ સતત બીજો મોટો દરોડો છે. તપાસ દરમિયાન સ્થળ પરથી ‘ગૌરસ’ અને ‘સંયમ’ બ્રાન્ડના નામે પેકિંગ કરી બજારમાં વેચવા માટે રાખવામાં આવેલો કુલ 1,278 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ ઓફિસરોએ સ્થળ પર જ તમામ 1,278 લીટર જથ્થો સીઝ કરીને અંદાજે રૂ. 7.92 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ

ફૂડ વિભાગની ટીમે સીઝ કરાયેલા ‘ગૌરસ’ અને ‘સંયમ’ બ્રાન્ડના ઘીના વૈજ્ઞાનિક પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં સેમ્પલ મોકલી આપ્યા છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જો ઘી અખાદ્ય કે ભેળસેળયુક્ત જણાશે તો જવાબદાર વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી કાનૂની અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો અને લગ્નસરાની સિઝન પહેલા ફૂડ વિભાગની આ ધડાધડ કાર્યવાહીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં વિદેશ જવાની ઘેલછામાં મોટી છેતરપિંડી, UK વીઝા અપાવવાના નામે રૂ. 24.75 લાખનો ચૂનો ચોંટાડ્યો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *