આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈ વેપારીઓમાં ફફડાટ:વડોદરામાં તહેવાર ટાણે VMCનું આરોગ્ય વિભાગ એક્શનમાં; ચારેય ઝોનમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર સઘન તપાસ અને સેમ્પલિંગ

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં દશેરા અને દિવાળીના તહેવારોના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દુકાનોમાં પૂરતી સ્વચ્છતા કે આરોગ્યના નિયમોનું પાલન જોવા મળ્યું નથી, તેવા 10થી વધુ વેપારીઓને શિડ્યુલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી દશેરા અને દિવાળીના તહેવારોના અનુસંધાનમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. VMCના ફૂડ સેફ્ટી અધિકારી જીતેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચનાઓ મુજબ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં ફાફડા, જલેબી તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત શહેરના ચારેય ઝોનમાં આવેલા મીઠાઈ, ફરસાણ, ફાફડા અને જલેબીના વેપારીઓને ત્યાં રૂબરૂ જઈને FSSAIના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. દુકાનોમાં ખાદ્ય ચીજવસ્તુઓની બનાવટ અને વેચાણ સમયે સ્વચ્છતાના ધોરણો યોગ્ય રીતે જળવાય છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણ અને ફાફડા-જલેબી ઉપરાંત તેના કાચા માલ (જેમ કે બેસન, ચટણી, હળદર, મરચું અને અન્ય રો-મટીરિયલ)ના નમૂના (સેમ્પલ) પણ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાની ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી પણ સત્તાવાર રીતે હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન જે વેપારીઓની દુકાનોમાં પૂરતી સ્વચ્છતા કે આરોગ્યના નિયમોનું પાલન જોવા મળ્યું નથી, તેવા 10થી વધુ વેપારીઓને શિડ્યુલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી અશુદ્ધ કે જોખમી ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી સતત ચાલુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *