Ahmedabad News : બળી ગયેલું તેલ, હાનિકારક કલર અને ગંદકી, દાણીલીમડાના ગૃહ ઉદ્યોગ પર AMCની તવાઈ

📅 Published: October 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સતત બીજા દિવસે AMCના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દાણીલીમડા વિસ્તારમાં આવેલી બેરલ માર્કેટ એસ્ટેટમાં ધમધમતા વિવિધ ગૃહ ઉદ્યોગો પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે ભેળસેળિયાઓ અને ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા એકમોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

રેડ દરમિયાન ખુલી પોલ

આરોગ્ય વિભાગની ટીમે જ્યારે એસ્ટેટમાં આવેલા ગૃહ ઉદ્યોગોની રૂબરૂ ચકાસણી કરી, ત્યારે ત્યાંની સ્થિતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઉત્પાદન યુનિટોમાં અત્યંત દયનીય અને અસ્વચ્છ હાલતમાં ફરસાણ તથા અન્ય ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવી રહી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી હાનિકારક ખાધ્ય કલર (Food Color), વારંવાર ઉપયોગમાં લેવાને કારણે બળી ગયેલું અને ઝેરી બની ગયેલું તેલ તેમજ ચારેય તરફ ગંદકીના સામ્રાજ્ય જોવા મળ્યા હતા. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ (FSSAI) ના સ્પષ્ટ નિયમો મુજબ કોઈપણ ફરસાણ કે ખાધ્ય વસ્તુઓમાં આ પ્રકારે હાનિકારક કલરનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક તેનો વપરાશ થઈ રહ્યો હતો.

મુદ્દામાલ જપ્ત કરી યુનિટો સીલ કરવાની સખત કાર્યવાહી

પ્રવર્તમાન નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જણાતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત અને કઠોર પગલાં ભરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી અખાદ્ય અને જોખમી જથ્થા સહિતનો તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ સાથે જ, જનસુરક્ષા સાથે ખિલવાડ કરનારા આ ગૃહ ઉદ્યોગના યુનિટોને તુરંત અસરથી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્રની આ લદાયેલી આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો : Ahmedabadના નરોડામાં નવરાત્રિ દરમિયાન ખુરશીમાં બેસવા જેવી બાબતે હિંસક તકરાર, CCTV માં કેદ થઇ સમગ્ર ઘટના


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *