પાટીદાર સમાજમાં વધુ એક મોટા ધાર્મિક અને સામાજિક ધામ એવા બીજા ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત થતાં જ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ પાટીદાર નેતા અલ્પેશ કથેરિયાનું મોટું અને હકારાત્મક નિવેદન સામે આવ્યું છે. કથેરિયાએ આ નવનિર્મિત થનારા અન્નપૂર્ણા ખોડલધામને સમગ્ર સમાજ તરફથી શુભકામનાઓ પાઠવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવું ધામ પણ સમાજ માટે પ્રગતિ અને એકતાનું પ્રતીક બનશે.
‘મંદિર સેવા ભાવનાથી બનશે, સમાજને મળશે વધુ સુવિધાઓ’
આ પ્રકલ્પ અંગે વધુ વાત કરતા અલ્પેશ કથેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મંદિર પૂર્ણપણે સેવા ભાવનાથી જ બનાવવામાં આવી રહ્યું છે. નવા મંદિરના નિર્માણથી લેઉવા પટેલ સમાજ સહિત સમગ્ર શ્રદ્ધાળુ વર્ગને વધુ માત્રામાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહેશે. ધાર્મિક આસ્થાની સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગની મદદ કરવી એ જ આ ધામનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે, જેનાથી આવનારા દિવસોમાં સમાજ કલ્યાણના કામોને વધુ વેગ મળશે.
પાટીદાર સમાજ માટે વધુ એક સેવાધામ
આયોજન અંગે ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે કથેરિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જો આ નિર્ણતમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પૂછવામાં આવ્યું ન હોય, તો તેનો અર્થ એવો ક્યારેય નથી થતો કે તેઓ સમાજથી અલગ થઈ ગયા છે. નરેશ પટેલ હંમેશાં લેઉવા પટેલ સમાજના નેતૃત્વ અને માર્ગદર્શન માટે અગ્રેસર રહ્યા છે અને આગળ પણ રહેશે. કથેરિયાએ સમાજમાં કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દૂર રહેવા અને એકતા જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચો : Rajkot LCBનો મોટો સપાટો, જેતપુર સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ
