Team India : તો આ કારણે રિંકુ સિંહને ટીમમાંથી પડતો મૂકાયો, વસીમ જાફરે જણાવ્યું કારણ

📅 Published: October 16, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય બાદ ભારતીય ટીમની પ્લેઇંગ 11ની પસંદગી અને વ્યૂહરચના સામે આકરા સવાલો ઊભા થયા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટર વસીમ જાફરે ફિનિશર રિંકુ સિંહને સતત નજરઅંદાજ કરવા બદલ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સામે નારાજગી વ્યક્ત કરી છે.આ સાથે જ તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની નમન ધીર પાસે 4 ઓવર કરાવવાની રણનીતિ સામે પણ આકરા પ્રહારો કર્યા છે.

રિંકુ બેટ્સમેન તરીકે સૌથી આગળ

ભારતીય ટીમના મિડલ ઓર્ડરના વિસ્ફોટક બેટર રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ 2026 બાદ પ્લેઇંગ 11માં નિયમિત તક મળી નથી. ઝિમ્બાબ્વે પ્રવાસમાં રમ્યા બાદ ફરી તેમને બેન્ચ પર બેસાડી દેવામાં આવ્યા છે.આ મુદ્દે વસીમ જાફરે ખુલીને કહ્યું કે, રિંકુ સિંહ 5મા અને 6ઠ્ઠા ક્રમે ટીમ માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન છે.તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, “જો કોઈ ખેલાડી બોલિંગ નથી કરી શકતો તો તેનો અર્થ એ નથી કે તેને ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ. રિંકુ એક શાનદાર ડાબોડી બેટ્સમેન છે, જે બેટિંગ ક્રમમાં વિવિધતા અને મજબૂતી આપે છે. રજત પાટીદાર ટોપ ઓર્ડર બેટર છે એટલે તેને તક મળવામાં અડચણ આવી શકે, પરંતુ રિંકુ જેવા સાબિત થઈ ચૂકેલા ફિનિશરને પ્લેઇંગ 11ની બહાર રાખવો બિલકુલ યોગ્ય નથી.

2026માં રિંકુ સિંહના આંકડા અને આક્રમક અંદાજ

અહેવાલો અનુસાર, વર્ષ 2026માં રિંકુ સિંહે 10 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 139.44ના સ્ટ્રાઇક રેટથી 152 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 44 રન રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં પણ તેણે 6ઠ્ઠા ક્રમે આવીને માત્ર 14 બોલમાં 25 રન ફટકાર્યા હતા. બીજી તરફ, IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતાં રિંકુએ 11 ઇનિંગ્સમાં 148.98ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 295 રન ફટકાર્યા હતા અને 2 અડધી સદી પણ નોંધાવી હતી.

નમન ધીરને 4 ઓવર આપવાની રણનીતિ સામે સવાલ

વસીમ જાફરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની વ્યૂહરચના સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે નમન ધીર જેવા પાર્ટ-ટાઈમ ઓલરાઉન્ડર પાસે દરેક મેચમાં 4 પૂરી ઓવર ફેંકાવવી અયોગ્ય છે.નમને પોતાની ડેબ્યૂ મેચમાં 3 વિકેટ જરૂર ઝડપી હતી, પરંતુ ત્યારબાદની 3 મેચમાં તે માત્ર 2 વિકેટ લઈ શક્યો છે. જાફરે ખાસ કરીને પાવરપ્લેમાં નમન ધીરને બોલિંગ સોંપવાના નિર્ણય પર અસહમતિ દર્શાવી હતી અને કહ્યું કે નમન પાસેથી બોલિંગ કરતાં બેટિંગમાં 25-30 રનનું ઝડપી યોગદાન અપેક્ષિત છે.

રણજી ટ્રોફીમાં રિંકુની સદી: સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ

T20 ટીમમાંથી બહાર થયા બાદ રિંકુ સિંહે સ્થાનિક ક્રિકેટમાં પોતાના બેટથી તમાચો માર્યો છે. રણજી ટ્રોફી 2026-27ના પ્રથમ મુકાબલામાં ઉત્તર પ્રદેશ તરફથી રમતાં રિંકુએ 168 બોલમાં 112 રનની શાનદાર સદી ફટકારી હતી. તેની આ ઇનિંગ્સના જોરે ઉત્તર પ્રદેશે એક ઇનિંગ્સ અને 267 રનથી વિજય મેળવ્યો હતો.

આ પણ  વાંચો – IND vs WI પાસે વર્લ્ડ રેકોર્ડ રચવાની સુવર્ણ તક, બેંગલુરુમાં તૂટશે ઓલ-ટાઈમ રેકોર્ડ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *