Ambaji : ઢાબા સંચાલક મુસા બૂટલેગર પર ફાયરિંગ અને મારામારીનો દાવો, દારૂના ધંધાની અદાવતમાં હુમલાની આશંકા

📅 Published: October 16, 2026 | 📂 Category: Crime

અંબાજી નજીક આવેલા રાજસ્થાન સરહદના જાંબુડી ગામે ગેંગવોરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુસાદા ઢાબા ચલાવતા અંબાજીના દિલીપ પ્રજાપતિ ઉર્ફે મુસા બૂટલેગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગેરકાયદે દારૂના ધંધાની જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને પગલે ભારે ચકચાર ફેલાઈ છે.

લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં આવ્યા

પીડિત દિલીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ, સુમિત 5600 ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં સવાર થઈને ધસી આવ્યા હતા. હુમલાખોરોએ જાંબુડી સ્થિત મુસાદા ઢાબા પર પહોંચતાની સાથે જ ભારે આતંક મચાવ્યો હતો.

ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવો

હુમલાખોરોએ ઢાબા પર પહોંચીને ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવો કરાયો આ હિંસક હુમલા દરમિયાન હુમલાખોરોએ લોખંડના પાઇપ વડે નિર્દયતાથી માર મારીને દિલીપ પ્રજાપતિનો પગ તોડી નાખવાનો ખુલ્લો પ્રયાસ કર્યો હોવાનો તેમણે ગંભીર દાવો કર્યો છે.

મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરાર

આ ઉપરાંત દિલીપ પ્રજાપતિએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરોએ ઢાબા પર ફાયરિંગ કરીને સીસીટીવી કેમેરા સહિતનો સામાન લૂંટી લીધો હતો. આ સાથે જ હુમલાખોરો તેમના બે મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે હુમલાખોરોએ સિરોહી એસપી સાથે પોતાની સીધી ઓળખાણ હોવાની ધમકી આપી હોવાનો પણ દિલીપ પ્રજાપતિએ ખુલ્લો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટના પાછળ દારૂના ગેરકાયદે ધંધાની જૂની અદાવત હોવાની આશંકા છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારના કથિત બૂટલેગરો સામે હુમલાના આક્ષેપથી બંને રાજ્યોની સરહદે ભારે ચકચાર મચી છે.

દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે

બીજી તરફ, હુમલાનો ભોગ બનેલા દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે. તેમના સામે અગાઉ 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનો દાવો છે અને તેમણે અગાઉ પાસા હેઠળ જેલની સજા પણ ભોગવી હોવાની વિગતો છે. આમ બે જૂથો વચ્ચે દારૂના કાળા કારોબારને લઈને ખેલાયેલી આ ગેંગવોરની ઘટનાએ સમગ્ર સરહદી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. 

આ પણ વાંચો :   Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *