સુરેન્દ્રનગરમાં તાજેતરમાં બનેલી પોલીસ-આરોપી વચ્ચેની ફાયરિંગની ઘટના બાદ હવે રંગિલા રાજકોટમાં પણ ક્રાઈમ બ્રાન્ચ અને રીઢા ગુનેગાર વચ્ચે સામસામે ગોળીબારનો રોમાંચક અને ગંભીર બનાવ સામે આવ્યો છે. રાજકોટના બહુચર્ચિત રૂપિયા 1.53 કરોડની લૂંટ વિથ મર્ડર (લાલજી સરધારા હત્યા કેસ) માં રિમાન્ડ હેઠળ રહેલા મુખ્ય આરોપી અનુરાગસિંહ રાજપૂતે હથિયાર રિકવરી માટે લઈ જવાતી વખતે અચાનક પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. પોતાના બચાવમાં ત્વરિત પગલાં ભરી ક્રાઈમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડિયાએ જવાબી કાર્યવાહીમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.
ડિસ્કવરી પંચનામા દરમિયાન હથિયાર કાઢી પોલીસ પર તાક્યું
સમગ્ર ઘટનાની વિગત મુજબ, કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા ચાર દિવસના રિમાન્ડ દરમિયાન હથિયારો કબ્જે કરવાની તજવીજ ચાલી રહી હતી. લૂંટ વિથ મર્ડર કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તમામ 10 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અગાઉ ગુનામાં વપરાયેલું એક હથિયાર જપ્ત થઈ ચૂક્યું હતું, પરંતુ આરોપી અનુરાગસિંહે અન્ય એક હથિયાર છુપાવ્યું હોવાની વિગત પોલીસ સમક્ષ ખુલી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને સાથે રાખી એરપોર્ટ પોલીસ મથકની હદમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રિયલ એરિયા નજીક છુપાવેલા હથિયારના સ્થળે ડિસ્કવરી પંચનામા માટે પહોંચી હતી.હથિયાર બહાર કાઢવાના બહાને આરોપીએ છુપાવેલી રિવોલ્વર/પિસ્તોલ સીધી પોલીસ ટીમ સામે તાકી દીધી હતી અને જીવલેણ હુમલો કરવાના ઈરાદે ઉપરાઉપરી બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.
PSI વનરાજસિંહ ડોડિયાનું જવાબી ફાયરિંગ
અચાનક થયેલા ફાયરિંગ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અદભુત સમયસૂચકતા દાખવી હતી. પોતાની અને સ્ટાફની સુરક્ષા જોખમાતાં PSI વનરાજસિંહ ડોડિયાએ સ્વબચાવમાં તુરંત સર્વિસ રિવોલ્વરમાંથી જવાબી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ગોળી વાગતાં જ આરોપી અનુરાગસિંહ રાજપૂત જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તાબડતોબ નિઃશસ્ત્ર કરી કાબૂમાં લઈ લીધો હતો.લોહીલુહાણ હાલતમાં ઘાયલ આરોપીને પોલીસ સુરક્ષા વચ્ચે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટનો વધુ એક ગંભીર ગુનો નોંધાશે
પોલીસ પર જીવલેણ હુમલો કરવા બદલ આરોપી સામે કાયદાનો સકંજો વધુ કડક બન્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી અનુરાગસિંહ રાજપૂત વિરુદ્ધ સરકારી કર્મચારી પર જાનલેવા હુમલો, હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ તેમજ આર્મ્સ એક્ટની આકરી કલમો હેઠળ વધુ એક ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને એફએસએલ (FSL) ની ટીમે સ્થળ પરથી ખાલી કારતૂસ અને હથિયાર કબ્જે કરી પંચનામાની કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી છે.
