Breaking News : વર્લ્ડ કપમાં રોહિત શર્માને આઉટ કરનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે અચાનક લીધી નિવૃત્તિ

📅 Published: October 17, 2026 | 📂 Category: cricket

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સ્કોટલેન્ડ ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેડ વ્હીલે માત્ર ૩૦ વર્ષની નાની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. સ્કોટલેન્ડના મુખ્ય બોલરોમાં ગણાતા બ્રેડ વ્હીલના આ અચાનક લીધેલા નિર્ણયથી તેમના ચાહકો અને ક્રિકેટ જગતના તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વ્હીલે પોતાના દેશ માટે ૪ ટી૨૦ વર્લ્ડ કપમાં શાનદાર પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ સતત નડતી ઈજાઓના કારણે આખરે તેમણે રમતને અલવિદા કહેવું પડ્યું છે.

વારંવાર થતી ઈજાઓ બની નિવૃત્તિનું મુખ્ય કારણ

બ્રેડ વ્હીલે પોતાની નિવૃત્તિ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, આ નિર્ણય લેવો તેમના માટે જરાય સરળ નહોતો પરંતુ તેમનું શરીર હવે સાથ આપી રહ્યું નથી. પોતાની કારકિર્દી દરમિયાન તેઓ પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરની ગંભીર સમસ્યાથી 4 વખત પીડાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ તેમના ઘૂંટણની મેજર સર્જરી પણ કરવામાં આવી હતી. એક ફાસ્ટ બોલર તરીકે શરીર પર પડતા અતિશય દબાણ અને આ શારીરિક તકલીફોને લીધે તેઓ હવે મેદાન પર સો ટકા યોગદાન આપી શકે તેમ ન હોવાથી તેમણે ભારે હૈયે ક્રિકેટ કરિયરનો અંત લાવવાનું નક્કી કર્યું છે.

દેશ અને હેમ્પશાયર વતી રમવા બદલ વ્યક્ત કર્યો ગર્વ

તેમણે ઉમેર્યું કે, પ્રોફેશનલ ક્રિકેટર તરીકે હેમ્પશાયર કાઉન્ટી અને સ્કોટલેન્ડની રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો અનુભવ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ રહ્યો છે. દેશ માટે ૪ વર્લ્ડ કપ રમવાની તક મળવી એ તેમના અને તેમના પરિવાર માટે ગૌરવની વાત છે. ઈજાઓથી પરેશાન હોવા છતાં તેઓ પોતાના આ નિવૃત્તિના નિર્ણયથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

આવું રહ્યું બ્રેડ વ્હીલનું ક્રિકેટ કરિયર

બ્રેડ વ્હીલના આંતરરાષ્ટ્રીય આંકડાઓ પર નજર કરીએ તો તેમણે 18 વનડે મેચમાં 23.07ની સરેરાશથી 18 વિકેટ ઝડપી હતી. જ્યારે 26 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમણે 30.95ની સરેરાશથી 24 વિકેટ પોતાના નામે કરી હતી.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત તેમણે કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર તરફથી પણ લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી હતી. તેમણે વિવિધ ફોર્મેટમાં હેમ્પશાયર માટે કુલ 131 મેચ રમી હતી.પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પણ તેમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમણે 59 મેચની 97 ઇનિંગ્સમાં 34.56ની સરેરાશથી કુલ 140 વિકેટ ઝડપી હતી.આમ, માત્ર 30 વર્ષની ઉંમરે બ્રેડ વ્હીલની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. પ્રતિભા અને અનુભવ હોવા છતાં વારંવારની ઈજાઓએ તેમની કારકિર્દીને વહેલો વિરામ આપ્યો છે. સ્કોટલેન્ડ માટે 4 વર્લ્ડ કપમાં રમવાની તેમની સિદ્ધિ હંમેશાં યાદગાર રહેશે.

આ પણ વાંચો – Cricket : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શમીને ફરી તક નહીં, 2 કેપ્ટન જાહેર કરાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *