રાજકોટ શહેરમાં માતૃત્વની પવિત્રતાને કલંકિત કરતી અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કૂવાડવા રોડ પર આવેલી શહીદ ઉધમસિંહજી ટાઉનશીપમાં ગત 12 ઓક્ટોબરના રોજ પાંચમા માળેથી નીચે પટકાતાં રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલી માત્ર 2.4 વર્ષની માસૂમ બાળકી સ્નેહલ સાકરિયાની હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં, પરંતુ તેની સગી જનેતા પૂનમ સાકરિયાએ જ કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સતત બે દિવસની આગવી ઢબે પૂછપરછ બાદ પાષાણહૃદયી માતાએ પોતાની જ ફૂલ જેવી દીકરીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હોવાની કબૂલાત કરતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે મૃતક બાળકીના પિતા સંજય સાકરિયાની ફરિયાદના આધારે પૂનમ સામે હત્યાનો ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે.
બીજા લગ્નમાં બાળકી અડચણરૂપ લાગતાં સગી માતા જ બની હત્યારી
પોલીસ કસ્ટડીમાં પૂનમ સાકરિયાએ હત્યા પાછળ આપેલાં કારણો કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું કાળજું કંપાવી દે તેવાં છે. પૂનમ સાકરિયાનાં લગ્ન ત્રણ-ચાર વર્ષ પહેલાં સંજય સાકરિયા સાથે થયાં હતાં. બાળકીના જન્મ બાદ પતિ સંજયે બાળકીના રંગને લઈને શંકા કરી હતી કે “હું શ્યામ છું તો દીકરી ગોરી કેમ છે?”, જેનાથી પારિવારિક કંકાસ વધ્યો હતો અને પૂનમ છેલ્લા દોઢ વર્ષથી દીકરી સાથે પિયરમાં રહેતી હતી.પિયરમાં આર્થિક સંકળામણ વચ્ચે પાડોશના બાળકો પાસે રમકડાં જોઈને સ્નેહલ માંગણી કરતી, જે પૂરી ન કરી શકતાં પૂનમ માનસિક અકળામણ અનુભવતી હતી.સૌથી ઘૃણાસ્પદ બાબત એ સામે આવી કે પૂનમને ભવિષ્યમાં બીજા લગ્ન કરીને સ્વતંત્ર જીવન જીવવું હતું. તેને ડર હતો કે જો સાથે બાળકી હશે તો સામે મુરતિયો પણ સંતાનવાળો જ મળશે અને પારિવારિક બોજ વધી જશે. બાળકીની કાયમી જવાબદારીમાંથી મુક્ત થઈને નવો સંસાર માંડવા માટે તેણે સગી દીકરીનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.
હત્યા પૂર્વે ફેંકી દીધાં હતાં કૂંડાં અને કપડાં
શાતિર પૂનમે હત્યાને અકસ્માત કે કોઈ અજાણ્યા પાગલ શખ્સનું કૃત્ય ખપાવવા પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું.ટાઉનશીપના પાંચમા માળે છેલ્લા ત્રણ દિવસથી ફ્લેટ બહાર સૂકવેલાં કપડાં, ચાદરો, ગોદડાં અને ચપ્પલ નીચે ફેંકી દેવામાં આવતાં હતાં.ઘટનાના દિવસે પણ બાજુમાં રહેતાં વર્ષાબેનના ફૂલછોડનાં બે કૂંડાં નીચે ફેંકી દેવાયાં હતાં.તપાસમાં બહાર આવ્યું કે આ તમામ વિચિત્ર હરકતો પૂનમ પોતે જ કરી રહી હતી, જેથી સોસાયટીમાં એવો માહોલ ઊભો થાય કે કોઈ અજાણી વ્યક્તિ આ પ્રકારની હરકતો કરે છે અને તેના જ કારણે સ્નેહલ નીચે પડી ગઈ છે.
બાળકીની 3 ફૂટની ઊંચાઈએ માતાનો ભાંડો ફોડ્યો
ઘટના બાદ પૂનમે પોતે નિર્દોષ હોવાનો ઢોંગ રચ્યો અને પતિ સંજય સાકરિયા પર આક્ષેપ કરી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો કે અગાઉ પતિએ દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ફોરેન્સિક અને ટેકનિકલ તપાસમાં માતાની પોલ ખુલ્લી પડી ગઈ.ઘટનાસ્થળની ગેલેરીની પ્રોટેક્શન દીવાલ આશરે ૪ ફૂટ ઊંચી હતી, જ્યારે માસૂમ સ્નેહલની ઊંચાઈ માંડ 3 ફૂટ હતી. આ સંજોગોમાં બાળકી પોતાની મેળે દીવાલ ઓળંગીને નીચે પડી શકે તે શક્ય જ નહોતું.વધુમાં, બાળકીનો મૃતદેહ દીવાલથી 6 ફૂટથી વધુ દૂર જઈને પટકાયો હતો, જે સ્પષ્ટ સાબિત કરતું હતું કે બાળકી ગબડી નથી પણ તેને કોઈએ પૂરી તાકાતથી ઉંચકીને બહાર ફેંકી છે. ક્રાઈમ બ્રાન્ચે આ વૈજ્ઞાનિક પુરાવા સામે મૂકી કડક પૂછપરછ કરતાં પૂનમ ભાંગી પડી હતી અને સમગ્ર પાપ કબૂલી લીધું હતું.
