Surat: ઓલપાડમાં નવરાત્રિ દરમિયાન કિરણ મેડિકલ કોલેજના ગરબામાં વિધર્મીઓની હાજરી મુદ્દે VHP-બજરંગ દળનો હોબાળો

📅 Published: October 17, 2026 | 📂 Category: Surat

રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા પંડાલોમાં ગેરહિન્દુઓની ઘૂસણખોરી સામે હિન્દુ સંગઠનો કડક નજર રાખી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ પંથકમાંથી નવરાત્રીમાં વિધર્મીઓની હાજરીનો મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. ઓલપાડ તાલુકાના વડોદ ગામ નજીક આવેલી જાણીતી કિરણ મેડિકલ કોલેજના કેમ્પસમાં યોજાયેલા નવરાત્રી ગરબામાં વિધર્મી યુવકો સામેલ થયા હોવાની વિગતો અને વીડિયો વાયરલ થતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો તાબડતોબ કેમ્પસમાં પહોંચી ગયા હતા. હિન્દુ સંગઠનો અને કોલેજના આયોજકો વચ્ચે કેમ્પસમાં જ ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતાં માહોલ ભારે તંગ બની ગયો હતો.

વીડિયો વાયરલ થતાં જ VHP અને બજરંગ દળ એક્શન મોડમાં

બનાવની ગંભીરતા દર્શાવતી વિગતો અનુસાર વડોદ ગામ સ્થિત કિરણ મેડિકલ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે માતાજીની આરાધનાના પવિત્ર પર્વ ગરબામાં કેટલાક વિધર્મી યુવકો પણ ગરબે ઘૂમી રહ્યા હોવાના વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.વીડિયો સામે આવતાં જ સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરોનો મોટો કાફલો મોડી રાત્રે જ સીધો મેડિકલ કોલેજ કેમ્પસમાં ધસી ગયો હતો.

‘અમારો સ્ટાફ છે એટલે રમશે’ આયોજકના ખુલાસાથી મામલો વધુ ગરમાયો

હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ કેમ્પસમાં પહોંચીને વિધર્મીઓની હાજરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ સવાલ કર્યો હતો કે હિન્દુઓના ધાર્મિક આસ્થાના પર્વમાં વિધર્મી લોકોને પ્રવેશ કેમ આપવામાં આવ્યો?આ મુદ્દે આયોજક અને કોલેજ સંચાલકો સાથે વાતચીત દરમિયાન આયોજકે એવો બચાવ કર્યો હતો કે, “આ લોકો અમારી સંસ્થાનો સ્ટાફ છે અને હોસ્પિટલ/કોલેજ સ્ટાફ હોવાના નાતે તેઓ અહીં ગરબા રમી રહ્યા છે.”આયોજકના આવા ઉડાઉ અને બચાવલક્ષી જવાબથી બજરંગ દળ અને VHP ના કાર્યકરો લાલઘૂમ થઈ ગયા હતા અને બંને પક્ષો વચ્ચે સામસામે ઉગ્ર તૂતૂ-મેંમેં અને બોલાચાલી થઈ હતી.

કેમ્પસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

આ સમગ્ર વિવાદ અને ઘર્ષણની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે નવરાત્રી એ કોઈ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નથી પરંતુ હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે, જેથી કોઈપણ સંસ્થા કે કોલેજ આવા પવિત્ર પર્વમાં વિધર્મીઓને પ્રોત્સાહન આપી શકે નહીં.ઘટનાને પગલે વાતાવરણ તંગ બની જતાં અન્ય સુરક્ષાકર્મીઓ અને સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો વચ્ચે પડી મામલો શાંત પાડવા દોડી આવ્યા હતા.જિલ્લામાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે અને હિન્દુ સંગઠનો દ્વારા આગામી દિવસોમાં આવી ઘટનાઓ સામે વધુ આક્રમક વલણ અપનાવવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *