રાજકોટના તન્વી એક્સ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીને ગોળી મારી રૂ.1.53 કરોડની લૂંટ ચલાવતા 10 આરોપીઓને રાજસ્થાન પોલીસની મદદથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જેમાં રિમાન્ડ પર રહેલા ઉત્તરપ્રદેશના આરોપીએ ગુનામાં વપરાયેલાં હથિયારોની રિકવરી દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુંદાળા ગામના પાટિયા નજીકની આ ઘટનામાં આરોપીએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની કોશિશ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીના જમણા પગના ઘૂંટણ ઉપર ઇજા થઈ હતી. ત્યારબાદ તેને પકડીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જે બનાવવામાં આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ
પોલીસ ફરિયાદ મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ ડી.સી.બી. પોલીસ કરી રહી છે. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વધુ તપાસના ભાગરૂપે રિમાન્ડ પરના આરોપી અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂત (ઉં.વ.21, રહે. ઉત્તરપ્રદેશ)ને ગુનામાં વપરાયેલાં હથિયારો સંતાડેલી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.ગઈકાલે 16 ઓક્ટોબરે પોલીસ ટીમ બે પંચોની હાજરીમાં આરોપીને ગુંદાળા ગામના પાટિયા નજીક આર.કે. ઇન્ડસ્ટ્રીઝ પાસે લઈ ગઈ હતી. ત્યાં આરોપીએ બાવળની ઝાડીમાં સંતાડેલી દેશી બનાવટની પિસ્તોલ બતાવી હતી. પોલીસે આ પિસ્તોલ કબજે કરી તેની કિંમત રૂ.10 હજાર આંકી હતી. જોકે પંચનામાની આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીએ એક પોલીસ કર્મચારીને ધક્કો મારી હાથકડી છોડાવી હતી અને નજીકમાં સંતાડેલી બીજી પિસ્તોલ કાઢી પોલીસ ટીમ સામે તાકી દીધી હતી. ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોલીસને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. પોલીસે તેને હથિયાર નીચે મૂકી શરણે થવાની ચેતવણી આપી હતી, પરંતુ આરોપીએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આરોપી વધુ એક રાઉન્ડ ફાયર કરવાની કોશિશ કરતો હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે સ્વબચાવમાં સરકારી હથિયારમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના જમણા પગમાં વાગતાં તે નીચે પડી ગયો હતો. પોલીસે તેની પાસેથી બીજી પિસ્તોલ પણ કબજે કરી હતી. ઇજાગ્રસ્ત આરોપી અનુરાગસિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડી.સી.બી. પોલીસના પો.સ.ઇ. વનરાજસિંહ ડોડીયાની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 132 અને 262, આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) અને 27 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
PSI પર ફાયરિંગ કરતા આરોપી સામે FIR:રાજકોટમાં મર્ડર વિથ લૂંટમાં હથિયારોની રિકવરી વખતે રાઉન્ડ ફાયરિંગ કરતા મુખ્ય શૂટરને પોલીસે પગમાં ગોળી મારી
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
