સુરતના ભેસ્તાન વિસ્તારમાં નાના બાળકોને સાથે રાખીને બાંધકામ સાઇટ પર મજૂરી કરતા માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભેસ્તાન ખાતે આવેલી ભગવતી ઇન્ડસ્ટ્રીઝના કોમર્શિયલ પ્લોટમાં નિર્માણાધીન ઇમારતમાં લિફ્ટ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં અકસ્માતે ખાબકી જવાથી 2 માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. આ કમનસીબ ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં 3 વર્ષનો પુત્ર અલ્કેશ અને 2 વર્ષની પુત્રી રીટાનો સમાવેશ થાય છે. એકસાથે 2 વહાલસોયા સંતાનોના મોતથી શ્રમજીવી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. માતા-પિતા કામમાં મશગૂલ હતા અને બાળકો રમતા હતા
મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની એવા દિતા કટારા અને તેમનો પરિવાર ઘણા વર્ષોથી સુરતમાં રહીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ શ્રમજીવી દંપતીને કુલ 3 સંતાનો છે, જે પૈકી તેમની સૌથી મોટી દીકરી વતન રાજસ્થાન ખાતે રહે છે. જ્યારે તેમના 2 નાના બાળકો અલ્કેશ અને રીટા માતા-પિતા સાથે જ બાંધકામ સાઇટ પર રહેતા હતા. ગત મોડીસાંજે જ્યારે કટારા દંપતી કોમર્શિયલ પ્લોટમાં મજૂરી કામ કરવામાં મશગૂલ હતું, ત્યારે આ બંને માસૂમ બાળકો નજીકમાં જ રમી રહ્યા હતા. રમતા રમતા પાણી ભરેલા લિફ્ટના ખાડામાં ખાબક્યા
કામમાં વ્યસ્ત માતા-પિતાની નજર ચૂકવીને રમતા રમતા આ બંને માસૂમ બાળકો અચાનક નિર્માણાધીન લિફ્ટ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડા પાસે પહોંચી ગયા હતા. લિફ્ટ માટે બનાવેલા આ ખાડામાં ખાસ્સું ઊંડું પાણી ભરેલું હતું. જોખમથી સાવ અજાણ બંને ભૂલકાંઓ રમતમાં ને રમતમાં સીધા પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. ખાડો ઊંડો હોવાના કારણે બંને માસૂમો પાણીમાં ડૂબી ગયા હતા. બહાર કાઢ્યા ત્યાં સુધીમાં બંનેના શ્વાસ થંભી ગયા હતા
ઘટનાની જાણ થતાં જ માતા-પિતા સહિત સાઇટ પર કામ કરતા અન્ય મજૂરો અને કામદારો દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. એકસાથે 2 માસૂમ બાળકો ગુમાવનારા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. બાંધકામ સાઇટ પર આવી ખુલ્લી અને જોખમી જગ્યાઓ સામે સુરક્ષા વ્યવસ્થા રાખવા બાબતે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
ભેસ્તાનની બાંધકામ સાઈટ પર ખાડામાં પડી જતાં બે બાળકોના મોત:માતા-પિતા મજૂરી કરતા રહ્યા'ને 2 માસૂમો લિફ્ટના ખાડામાં ડૂબ્યા, પરિવારજનોમાં આક્રંદ છવાયો
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
