તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદે જિલ્લાના વિવિધ વિકાસકામો અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકને સંબોધતા સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લો વિકાસના પંથે અવિરત આગળ વધે તે માટે જનપ્રતિનિધિઓની સાથે વહીવટી તંત્રની પણ નૈતિક જવાબદારી છે. જિલ્લાનો એક પણ નાગરિક કેન્દ્ર કે રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા તેમણે તમામ વિભાગોને અસરકારક પ્રચાર-પ્રસાર (IEC પ્રવૃત્તિઓ) કરવા તાકીદ કરી હતી. સાંસદે ડિજિટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ વિભાગોના લક્ષ્યાંકો અને સિદ્ધિઓની સમીક્ષા કરતા નીચેની બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો: ગ્રામ વિકાસ અને મહિલા સશક્તિકરણ: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન (SBM), આવાસ યોજના, વીબી જીરામજી અને મિશન મંગલમ યોજનાની સમીક્ષા કરી ગ્રામીણ બહેનોને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા સૂચનો કર્યા હતા. આરોગ્ય અને શિક્ષણ: જિલ્લામાં ટીબી અને સિકલસેલ જેવા રોગોની નાબૂદી તેમજ આરોગ્ય, પોષણ અને શિક્ષણની સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા નિર્દેશ આપ્યા હતા. માર્ગ સુરક્ષા: નાગરિકોની સુરક્ષા માટે અકસ્માત-રહિત માર્ગો બનાવવા, નેશનલ હાઈવે પર સાઈડ સોલ્ડરિંગ, જંગલ કટિંગ અને જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર મૂકવા અંગે ચર્ચા કરી હતી. પાણી અને વીજળીનું આગોતરું આયોજન: ઓછા વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે પાણી પુરવઠા અને વીજ કંપનીના અધિકારીઓને અત્યારથી જ પૂર્વ આયોજન કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પણ સાંસદના સૂચનોનું અનુમોદન કરી અમલીકરણ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદાર રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ તેમજ જિલ્લા-તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારામાં સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને 'દિશા' બેઠક:પાણી, આરોગ્ય અને માર્ગ સુરક્ષા મુદ્દે મહત્વના નિર્દેશ અપાયા
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
