અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોતે જે મંદિરમાં પૂજા કરતા હતા ત્યાં જ ભૂવા દીપક પરમારે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા મૃતકે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા તેમને અસહ્ય માનસિક ત્રાસ આપવા અને રૂ.20 લાખની માંગણી કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ અંગે મૃતકની પત્નીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રૂ.20 લાખની ખંડણીનો આક્ષેપ
ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ભૂવા દીપક પરમારને કેટલાક શખ્સો દ્વારા ભોગ બનનાર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની ધમકી આપીને સતત બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. આરોપીઓ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપીને તેમની પાસે રૂ.20 લાખની ખંડણી માંગતા હતા. આ સતત પરેશાની અને માનસિક ત્રાસથી કંટાળીને ભૂવાએ આત્મહત્યા કરતા પહેલા સમગ્ર આપવીતી વર્ણવતો વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ મંદિરમાં જ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મઘાતી પગલું ભર્યું હતું.
6 લોકો સામે ગુનો દાખલ
આ કરુણ ઘટના બાદ મૃતક દીપક પરમારની પત્નીએ હિમ્મત દાખવીને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં દુષ્કર્મની ખોટી ધમકી આપનાર મહિલા સહિત કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. વિડીયોમાં કરાયેલા ઉલ્લેખ અને પુરાવાઓને આધારે એરપોર્ટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment to Suicide) ની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને તમામ આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
