Success Story : સંઘર્ષથી સફળતા સુધીની સફર! અઢળક દુઃખો વચ્ચે પણ અડીખમ રહ્યો આકાશદીપ

📅 Published: October 17, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ પોતાની અદભુત રમતથી ઓળખ બનાવે છે,પરંતુ બિહારના સાસારામથી આવેલા ફાસ્ટ બોલર આકાશદીપની સફર પ્રતિભા કરતાં પણ વધુ પ્રેરણાદાયી છે.નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવવી,માત્ર 6 મહિનાના ગાળામાં સગા મોટા ભાઈનું નિધન અને પરિવારની જવાબદારીઓ માટે 3 વર્ષ સુધી ક્રિકેટથી સાવ દૂર થઈ જવું આવી અસહ્ય મુશ્કેલીઓ છતાં આકાશદીપે હિંમત હારી નહીં.આજે તે ભારતીય ટેસ્ટ ટીમનો એક મુખ્ય ફાસ્ટ બોલર બની ગયો છે અને તેની આ સંઘર્ષગાથા કરોડો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. 

પિતા અને ભાઈના મોતે જીંદગી બદલી નાખી 

વર્ષ 1996માં બિહારના એક સામાન્ય પરિવારમાં જન્મેલા આકાશદીપના પિતા શાળામાં શિક્ષક હતા અને તેઓ ઈચ્છતા હતા કે પુત્ર સરકારી નોકરી મેળવે.પરંતુ આકાશદીપના મનમાં ક્રિકેટર બનવાનું સપનું રમી રહ્યું હતું.વર્ષ2015માં જ્યારે તે માત્ર 19 વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું નિધન થયું.પરિવાર આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ 6 મહિનાની અંદર મોટા ભાઈએ પણ દુનિયા છોડી દીધી.ઘરના બે મુખ્ય સભ્યો ગુમાવ્યા બાદ પરિવાર આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો અને આકાશદીપને 3 વર્ષ સુધી ક્રિકેટથી સંપૂર્ણ અંતર રાખવું પડ્યું.ગામડાના એ દિવસો યાદ કરતાં આકાશદીપે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે લેધર બોલ જોયો પણ નહોતો. ગામમાં ટીવી પર ભારતની મેચ જોવા માટે લોકો પૈસા ઉઘરાવતા અને જનરેટર ચાલુ કરીને મેચ જોતા હતા. 

Akash Deep Family Struggles,

ટેનિસ બોલ ક્રિકેટથી વાપસી અને મોહમ્મદ શમીનો સાથ

12મું ધોરણ પૂરું કર્યા પછી આકાશદીપ પશ્ચિમ બંગાળશિફ્ટ થયો.આર્થિક તંગીના કારણે તે પૈસા કમાવવા માટે ટેનિસ બોલ ક્રિકેટની સ્થાનિક ટૂર્નામેન્ટ્સ રમવા લાગ્યો.આ દરમિયાન તેની મુલાકાત ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે થઈ.શમીના માર્ગદર્શન અને મળેલી મહત્વની ટિપ્સથી આકાશદીપની બોલિંગમાં જબરદસ્ત સુધારો આવ્યો.વર્ષ 2019માં બંગાળની રણજી ટીમ તરફથી રમતા તેણે રણજી ટ્રોફીમાં 35 વિકેટ ઝડપીને ઘરેલુ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી.આ પ્રદર્શનના આધારે 2022માં તેને IPL કોન્ટ્રાક્ટ મળ્યો અને ટીમ ઇન્ડિયાના દરવાજા ખુલ્યા. 

 Akash Deep Life Journey

બહેનની કેન્સરની બીમારી વચ્ચે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ 

આકાશદીપની મુશ્કેલીઓ અહીં જ ન અટકી, તેની મોટી બહેન અખંડ જ્યોતિ સિંહને કેન્સર હોવાનું નિદાન થતાં પરિવાર ફરી મુશ્કેલીમાં મુકાયો.પરંતુ આકાશે બહેનની હિંમત બનવાનું નક્કી કર્યું. વર્ષ 2025માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા તેણે એક જ મેચમાં 10 વિકેટ ઝડપવાનો મોટો કારનામો કર્યો અને આ ઐતિહાસિક સિદ્ધિ કેન્સર સામે લડી રહેલી પોતાની વ્હાલસોયી બહેનને સમર્પિત કરી. 

Akash Deep Sister Cancer

આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કરોડોની કમાણી

  • ટેસ્ટ કરિયર: 10 ટેસ્ટ મેચોમાં 28 વિકેટ પોતાના નામે કરી છે.
  • શ્રેષ્ઠ પ્રદર્શન:એક ઇનિંગમાં 99 રન આપીને 6 વિકેટ અને મેચમાં કુલ 10 વિકેટ.

ક્યારેક ટેનિસ બોલ રમીને ગુજરાન ચલાવતો આકાશદીપ આજે પોતાની મહેનતના જોરે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. હાલમાં તે BCCIના ગ્રેડ-C કરાર હેઠળ વાર્ષિક ₹1 કરોડની ફિક્સ સેલરી મેળવે છે,આ ઉપરાંત મેચ ફી અને IPL કોન્ટ્રાક્ટની કમાણી અલગ છે.ઝીરોમાંથી હીરો બનેલા આકાશદીપની આ સફર સાબિત કરે છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો દ્રઢ નિશ્ચય હોય તો સપના હકીકત બની જ જાય છે.

આ પણ વાંચો – IPLની મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારનના લગ્ન પાક્કા? CMની પુષ્ટિથી ચર્ચા તેજ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *