શહેરના ઈસનપુર વિસ્તારમાં જૂના ઢોર બજાર ચાર રસ્તા પાસે 10 ઓક્ટોબરે રાત્રે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી દીધી હતી. માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 6 દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રની ફરિયાદના આધારે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રસ્તો ક્રોસ કરતા અજાણ્યા વાહને ટક્કર મારી
મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની અને હાલ મીરા ચાર રસ્તા પાસે ગોડાઉનમાં રહેતા 72 વર્ષીય રાવતસિંહ મોડસિંહ ચૌહાણ ભુલાભાઈ ચાર રસ્તા પાસે જય અંબે સાઉન્ડ કોર્પોરેશન નામની દુકાનમાં નોકરી કરતા હતા. 10 ઓક્ટોબરે રાત્રિના સમયે જૂના ઢોર બજાર ચાર રસ્તા પાસે આવેલા અમૂલ પાર્લર પર બેઠા હતા. ત્યાંથી સામેની દુકાને માચીસ લેવા ગયા બાદ પરત ઢોર બજાર ચાર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. માથામાં ઈજા થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું
અકસ્માત થતાં જ રાવતસિંહ રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક LG હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઈસનપુરમાં ચાર રસ્તા પાસે વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી:6 દિવસથી ચાલી રહેલી સારવાર દરમિયાન દમ તોડ્યો, અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
