'સેવા, સુરક્ષા અને શાંતિ'નું સૂત્ર સાર્થક કર્યું:વરતેજ પોલીસે ગુમ થયેલ માનસિક અસ્વસ્થ યુવતીને 4 કલાકમાં શોધી પરિવાર સાથે મિલાવી

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

કૂતરાના ડરથી ઝાડીઓમાં છુપાયેલી ગુમ યુવતીને વરતેજ પોલીસે 4 કલાકમાં શોધી કાઢી ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત અને માનવીય અભિગમ દાખવીને મોડી રાત્રે પોતાના ઘરેથી ગુમ થઈ થયેલી 36 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવતીને ગણતરીના કલાકોમાં સુરક્ષિત શોધી કાઢી તેના વાલીવારસને સોંપી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિદસર રોડ પર આવેલ હિલપાર્ક-1 માં રહેતા સોનલબેન મુકેશભાઈ ગોહેલ ઉ.વ.36, જેઓ મંદબુદ્ધિના હોય, ગત રાત્રે આશરે 8 વાગ્યે પરિવારને જણાવ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે આસપાસ શોધખોળ કરવા છતાં મળી ન આવતા આખરે રાત્રે 10 વાગ્યે વરતેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સૂચના થી અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળના સરકારી તેમજ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા તપાસતા યુવતી બોરતળાવ તરફ જતી હોવાનું જણાયું હતું. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વરતેજ પોલીસની ટીમે બોરતળાવ આસપાસની અવાવરુ જગ્યાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે આશરે 4 વાગ્યાની આસપાસ રોડથી અંદર ઝાડી-ઝાંખરામાં અંધારામાં બેઠેલી યુવતી નજરે પડી હતી. પોલીસે તેને બહાર કાઢી પૂછપરછ કરતા તે ખૂબ જ ગભરાયેલી અને ધ્રૂજતી હતી. યુવતીએ જણાવ્યું કે પાછળ કૂતરા પડવાના કારણે તે ડરીને ઝાડીઓમાં છુપાઈ ગઈ હતી. અવાવરુ જગ્યામાં લગભગ ચાર કલાકથી અટવાયેલી યુવતીને હેમખેમ રેસ્ક્યૂ કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી અને તેના પરિવારજનોને બોલાવી સલામત રીતે સોંપવામાં આવી હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન દીકરીઓની સુરક્ષા પ્રત્યે ગંભીરતા દાખવીને વરતેજ પોલીસે ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ” ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે, જેની સ્થાનિકો અને પરિવારજનો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *