વડોદરા જિલ્લાની પસંદગી પામેલી શાળાઓમાં સ્થાપિત LBD (Learning by Doing) લેબના અસરકારક ઉપયોગ માટે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ત્રણ દિવસીય હેન્ડ્સઓન તાલીમ યોજાઈ હતી. તા. 15થી 17 ઑક્ટોબર દરમિયાન સોખડા, પોર અને રામપુરા (અનગઢ) ખાતે યોજાયેલી આ તાલીમમાં કુલ 159 શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મહેશ પાંડેના માર્ગદર્શન હેઠળ TCIL, નવી દિલ્હી દ્વારા યોજાયેલી તાલીમમાં શિક્ષકોને લેબનાં સાધનોનો પરિચય, ઉપયોગ, જાળવણી તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન LBD લેબનાં 360 જેટલાં સાધનો અંગે માર્ગદર્શનઅપાયું હતું. અપૂર્ણાંક પટ્ટી, ફ્લેશ કાર્ડ, નંબર બોર્ડ, રાત-દિવસનું મોડલ અને જળચક્ર સહિતનાં વિવિધ મોડલની સમજ સાથે થ્રીડી પેન, ગુણક પરાવર્તન, હાડપિંજર, ગણિતનાં સૂત્રોનાં મોડલ, જાદુઈ નળ તથા વિવિધ ધાતુઓને લગતા પ્રયોગો કરાવવામાં આવ્યા હતા. ડિજિટલ સાધનો, પોર્ટલના ઉપયોગ, જૂથકાર્ય અને પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષકોને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. TCIL ના રાષ્ટ્રીય સ્તરના તજજ્ઞો તેમજ જિલ્લા કક્ષાએ તાલીમ મેળવેલા નિષ્ણાતોએ શિક્ષકોને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડયું હતું. તાલીમનું આયોજન એડીપીસી રાકેશ સુથાર અને બીઆરસી કો-ઓર્ડિનેટર નરેન્દ્રસિંહ ઠાકોરના સહયોગથી કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગનું સંચાલન ડૉ. કિરણ અમરાવત, મહેશ શર્મા અને પ્રિયંકા સોલંકીએ કર્યું હતું. આ તાલીમથી ગણિત-વિજ્ઞાનના શિક્ષણમાં પ્રયોગ આધારિત અભિગમને વેગ મળશે અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા વિષયની સમજ વધુ રસપ્રદ રીતે મળી શકશે, તેવો પ્રતિભાવ તાલીમાર્થી શિક્ષકોએ વ્યક્ત કર્યો હતો.
Vadodara: વડોદરા જિલ્લામાં LBD લેબ અંતર્ગત 159 શાળાના શિક્ષકોને તાલીમ
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
