બે પહેલવાનો વચ્ચેનો દંગલ તો તમે ઘણીવાર જોયો હશે, પરંતુ શું ક્યારેય કોઈ માણસને 90 કિલોના રાક્ષસી અજગર સાથે કુસ્તી લડતા જોયો છે? વિચાર માત્રથી રૂંવાડાં ઊભાં થઈ જાય તેવો એક કાળજુ કંપાવનારો કિસ્સો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અમેરિકાના જાણીતા વાઇલ્ડલાઇફ ઈન્ફ્લુએન્સરે તાજેતરમાં એક એવો વીડિયો શેર કર્યો છે, જેમાં એક વિશાળ અજગર તેમના આખા શરીરને ભરડામાં લઈ રહ્યો છે અને ક્ષણભર માટે એવું લાગે છે કે હવે તેમનું બચવું અશક્ય છે. સોશિયલ મીડિયા પર ‘Therealtarzann’ તરીકે પ્રખ્યાત માઈક હોલ્સ્ટન (Mike Holston) અવારનવાર જંગલી પ્રાણીઓ સાથેના પોતાના સાહસો શેર કરતા રહે છે. જોકે, આ વખતે તેમનો પંગો કોઈ સામાન્ય સાપ સાથે નહીં, પણ 19 ફૂટ લાંબા અને લગભગ 200 પાઉન્ડ (આશરે 90 કિલો) વજન ધરાવતા વિશાળકાય અજગર સાથે હતો. શ્વાસ થંભાવી દેતો એ મુકાબલો વીડિયોમાં જોઈ શકાય છે કે આ ભારેભરખમ અજગર પોતાનું મોં પહોળું કરીને માઈક પર હુમલો કરવાનો અને તેને દબોચી લેવાનો પૂરો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે અજગરમાં ઝેર નથી હોતું, પરંતુ તેની પકડ એટલી ભયાનક હોય છે કે તે ગણતરીની મિનિટોમાં શિકારના હાડકાં તોડીને તેનો શ્વાસ રૂંધી નાખે છે. આ વીડિયોમાં પણ અજગરે માઈકના આખા શરીર પર ધીમે-ધીમે કબજો જમાવી લીધો હતો. માઈકે પોતાની પોસ્ટમાં કબૂલાત કરી કે, “આ અત્યાર સુધીની કોઈ સાપ સાથેની મારી સૌથી અઘરી અને ખતરનાક લડાઈ હતી.” દાવપેચ લગાવીને માંડ બચાવ્યો જીવ અજગર જ્યારે આક્રમક બનીને માઈકના ગળા અને શરીરને પોતાની ભીંસમાં લઈ રહ્યો હતો, ત્યારે માઈકની બહાદુરી અને હાજરબુદ્ધિ કામ આવી ગઈ. માઈક પોતે રેસલિંગની કુશળતા ધરાવતા હોવાથી, તેમણે એ જીવલેણ ભીંસમાંથી બહાર નીકળવા માટે પોતાના દાવપેચ અજમાવ્યા. અંતે, ખૂબ મુશ્કેલીથી તે અજગરની મજબૂત પકડમાંથી છૂટવામાં સફળ રહ્યા અને મોતના મુખમાંથી હેમખેમ બહાર આવ્યા. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ચોંકી ઊઠ્યા આ ખૌફનાક વીડિયો જોયા પછી યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો માઈકની હિંમત અને રેસલિંગ સ્કિલ્સના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમના જીવ જોખમમાં મૂકવાના આ સ્ટંટ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું, “સાપની તાકાત અદ્ભુત છે, તેને બરાબર ખબર છે કે શિકારને કેવી રીતે જકડવો.” જ્યારે અન્ય એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, “હવે સમજાયું કે તમે અસલી રેસલિંગ મેચમાં ક્યારેય નર્વસ કેમ નથી થતા!” આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મુકાબલાને ‘જીવન અને મરણ વચ્ચેની લડાઈ’ ગણાવી રહ્યા છે.
19 ફૂટ ને 90 કિલોના અજગર સાથે કુસ્તી!:અમેરિકન ઈન્ફ્લુએન્સરે શેર કર્યો અજગર સાથે મોતના મુકાબલાનો VIdeo, માંડ-માંડ બચ્યો 'રિયલ ટાર્ઝન'નો જીવ
📅 Published: October 17, 2026 |
📂 Category: International
