અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ગેરકાયદે અને શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. લાઠી DySPના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસની ટીમે બાતમીના આધારે ઊંટવડ નજીક આવેલા એક ફ્યુલ પંપ પર આકસ્મિક દરોડો પાડીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે.
નંદીની હોટલ પાસે આવેલો ‘DASTAK DROP IN FUEL’ પંપ સીઝ
બાબરાના ઊંટવડ ગામ નજીક આવેલી નંદીની હોટલ પાસે ચાલતા ‘DASTAK DROP IN FUEL’ નામના ફ્યુલ પંપ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ પંપ પરથી બાયોડીઝલના નામે શંકાસ્પદ અને મિશ્રિત કથિત પેટ્રોલિયમ પદાર્થનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આખો પંપ સીઝ કરી દીધો છે.

6.55 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
પોલીસની આ સફળ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ. 4,50,000 ની કિંમતનો કથિત મિશ્રિત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય પંપના અન્ય સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 6,55,000 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ પદાર્થના સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે ઇંધણ વેચતા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Amreli News: મોરંગી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં વૃદ્ધની કરપીણ હત્યા
